ટીએમસીના સુપ્રીમો મમતા બેનર્જીએ 5 મે 2021ના રોજ કોલકતામાં ગવર્નર હાઉસ ખાતે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન તરીકે શપથગ્રહણ કર્યા હતા.

વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્યા બાદ 66 વર્ષીય મમતા બેનર્જીએ બુધવારે ત્રીજી વખત પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે જ ફરી એક વખત બંગાળમાં મમતા બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર બની ગઈ છે. કોરોના સંકટ અને તેની ગાઈડલાઈન્સના કારણે શપથ ગ્રહણ સમારંભ મર્યાદિત સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

શપથગ્રહણ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર મમતા બેનર્જી અને રાજ્યપાલ જગદીપ ધનખડ જ જોવા મળ્યા હતા. બંનેએ એકબીજા સામે હાથ જોડીને અભિવાદનનો સ્વીકાર કર્યો હતો. મમતા બેનર્જીએ એકલાએ જ શપથગ્રહણ કર્યા હતા અને કોઈ પ્રધાને તેમના સાથે શપથ ગ્રહણ કર્યા ન હતા.

શપથ ગ્રહણ સમારંભમાં ટીએમસીના ચૂંટણી રણનીતિકાર રહી ચુકેલા પ્રશાંત કિશોર ઉપસ્થિત રહ્યા હતા. તે સિવાય મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ પણ હાજરી આપી હતી. ભાજપે આ સમારંભનો બહિષ્કાર કર્યો હતો અને કોઈ ઉદ્યોગપતિ પણ તેમાં હાજર નહોતા રહ્યા.

પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ખૂબ જ તાકાત લગાવી હતી પરંતુ ટીએમસીનો વિજય થયો હતો. રાજ્ય વિધાનસભાની કુલ 292 બેઠકોમાંથી 213 બેઠકો પર ટીએમસીએ વિજય મેળવ્યો હતો જ્યારે ભાજપે માત્ર 77 બેઠકો પર સંતોષ માનવો પડ્યો હતો. રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત કોંગ્રેસ અને ડાબેરી પક્ષોને એકપણ બેઠક મળી ન હતી.

શપથગ્રહણ પછી રાજ્યપાલ જગદીશ ધનખડે મમતાને સમજાવતા કહ્યું હતું કે, રાજ્યમાં ચાલી રહેલી હિંસા તુરંત બંધ થવી જોઈએ. તેના જવાબમાં મમતાએ કહ્યું કે, અત્યારે રાજ્યની વ્યવસ્થા ચૂંટણી પંચ પાસે હતી, હવે હું નવી વ્યવસ્થા શરૂ કરીશ. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછીની હિંસામાં ઓછામાં ઓછા 12 વ્યક્તિના મોત થયા છે.

પશ્ચિમ બંગાળની જનતાએ 1950 પછીથી સતત 17 વર્ષો સુધી કોંગ્રેસને સત્તા સોંપી હતી, પરંતુ રાજ્યમાં રાજકીય હોબાળાઓ થવા લાગ્યા ત્યારે તેઓએ 1977માં ડાબેરીઓ સત્તા પર આવ્યા હતા. સાત ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો. ડાબેરી પક્ષોએ બહુમતથી 34 વર્ષ સુધી શાસન કર્યું હતું અને દેશમાં આઝાદી પહેલા સૌથી સમૃદ્ધ ગણાતું બંગાળ ગરીબ રાજ્યોની યાદીમાં આવવા લાગ્યું હતું. મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ છેલ્લા 10 વર્ષથી બંગાળમાં શાસન કરે છે.