જી-20 સમિટ અગાઉ પણ ભારત કેટલાક વૈશ્વિક કાર્યક્રમો, બહુપક્ષીય સંમેલનો અને શિખર સંમેલનોનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. તેમાં 1956માં યુનેસ્કો સંમેલન, 1982માં એશિયન ગેઇમ્સ, માર્ચ-1983માં પ્રસિદ્ધ બિનજોડાણવાદ આંદોલનનું શિખર સંમેલન, 2010માં કોમનવેલ્થ ગેઈમ્સ અને 2015માં ભારત-આફ્રિકા ફોરેન શિખર સંમેલનનો સમાવેશ થાય છે.

જોકે, જી-20 સમિટના આયોજનની વ્યાપકતા, ભવ્યતા અને મહત્વ અનેક રીતે વધારે છે. જેમ યુનાઇટેડ નેશન્સ (યુએનએસસી)ના તમામ સ્થાયી સભ્યોના નેતાઓને પી-5 કહેવામાં આવે છે, આ પી-5 દેશોના નેતાઓ પ્રથમવાર દિલ્હીમાં એક સાથે જોવા મળ્યા હતા. ભલે રશિયા અને અને ચીનના પ્રેસિડેન્ટ જી-20 સમિટમાં આવ્યા નહોતા, પરંતુ રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોલ અને ચીનના વડાપ્રધાન લી કવાંગે જી-20માં ભાગ લીધો હતો. ભારતમાં જર્મનીના રાજદૂત ફિલિપ એકરમેને કહ્યું હતું કે જી-20નું આટલું ભવ્ય આયોજન પહેલાં ક્યારેય થયું નથી. ભારત પર વિશ્વની નજર છે અને જી-20 સંમેલન ભારતની ભૂમિકાને પ્રદર્શિત કરવાનો શાનદાર મંચ છે.

ભારતના અધ્યક્ષ પદ હેઠળ યોજાઈ રહેલા જી-20 સંમેલનમાં 29 વિશેષ આમંત્રિત દેશો અને 11 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ભાગ લઈ રહી છે. ભારતે ‘વસુધૈવ કુટુમ્બકમ’ એટલે કે ‘સમગ્ર વિશ્વ એક પરિવાર’ના સંદેશની સાથે જી-20ની અધ્યક્ષતાને એક નવો અર્થ આપ્યો છે. ભારતની અધ્યક્ષતામાં જી-20ના ભાગરુપે યોજાયેલી 500 બેઠકોમાં વૈશ્વિક આર્થિક વિકાસ, નાણાકીય સ્થિરતા, જળવાયુ પરિવર્તન અને અન્ય વૈશ્વિક પડકારો પર કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લીધા. ભારતે જી-20ના સભ્યો દેશોની વચ્ચે સાંસ્કૃતિક અને લોકોની વચ્ચે સંપર્ક વધારવા માટે કામ કર્યું છે. વિશ્વ બેંકે પણ ભારતને ‘એક કુશળ અને પ્રભાવી અધ્યક્ષ’ ગણાવ્યું છે.

ભારતની વિદેશનીતિમાં હંમેશા ત્રીજા વિશ્વના દેશો એટલે કે અવિકસિત દેશોની સાથેના સંબંધોને પ્રાથમિકતા આપી છે, એમાં જી-20ના સમિટ દ્વારા પણ ભારતે ગરીબ દેશોના નેતા તરીકે પોતાની ભૂમિકા મજબૂત કરી દીધી છે. જી-20 આયોજન કરીને વર્તમાન ભારત સરકારે એટલી મોટી રેખા ખેંચી છે, જે ભવિષ્યની સરકારો માટે ખૂબ પડકારજનક રહેશે.

ભારતમાં આયોજિત વૈશ્વિક કાર્યક્રમો

1951 એશિયન ગેમ્સ
1956 યુનેસ્કો સંમેલન
1982 એશિયન ગેમ્સ
1983 બિનજોડાણવાદ આંદોલન (NAM)નું શિખર સંમેલન
2010 કોમનવેલ્થ ગેમ્સ
2015 ભારત-આફ્રિકા શિખર સંમેલન

LEAVE A REPLY

4 + 6 =