બ્રિટનના પ્રિન્સ હેરી અને તેમના પત્ની મેઘન (Getty Images)

ડ્યુક ઓફ સસેક્સ હેરી અને તેમના પત્ની મેગન આગામી જૂનમાં તેમના બાળકો સાથે મહારાણીની પ્લેટિનમ જ્યુબિલીમાં હાજરી આપવા બ્રિટન આવનાર છે. મહારાણી સેવાના 70 વર્ષની ઉજવણી કરી રહ્યા છે ત્યારે હેરી – મેગન તેમજ ડ્યુક ઓફ યોર્ક ટ્રોપિંગ ધ કલર દરમિયાન બકિંગહામ પેલેસની બાલ્કનીમાં રાણી સાથે જોડાશે નહીં. જો કે, તેઓ અન્ય કાર્યક્રમોમાં હાજરી આપી શકે છે.

2 જૂનના રોજ રાણીના જન્મદિવસની પરેડ દરમિયાન બાલ્કનીમાંથી ગેરહાજર રહેનાર તેના ભાઈ-બહેનોમાંના એકમાત્ર પ્રિન્સ એન્ડ્રુ હશે. પેલેસે કહ્યું હતું કે “સાવધાનીપૂર્વક વિચારણા કર્યા પછી” પેલેસની બાલ્કનીમાં મહારાણી, પ્રિન્સ ઑફ વેલ્સ, ડચેસ ઑફ કોર્નવોલ, ડ્યુક અને ડચેસ ઑફ કેમ્બ્રિજ, અર્લ અને કાઉન્ટેસ ઑફ વેસેક્સ, પ્રિન્સેસ રોયલ, ડ્યુક અને ડચેસ ઓફ ગ્લોસ્ટર, ડ્યુક ઓફ કેન્ટ અને પ્રિન્સેસ એલેક્ઝાન્ડ્રા સહિત કુલ 12 રોયલ્સ હાજર રહેશે.

તેમની સાથે પ્રિન્સેસ એનીના પતિ, વાઇસ-એડમિરલ સર ટિમ લોરેન્સ પણ જોડાશે. ડ્યુક ઓફ કેમ્બ્રિજના બાળકો, પ્રિન્સ જ્યોર્જ, પ્રિન્સેસ શાર્લોટ અને પ્રિન્સ લુઇ અને વેસેક્સના બાળકો, લેડી લુઈ વિન્ડસર અને જેમ્સ, વિસ્કાઉન્ટ સેવર્ન હાજર રહેશે.

62 વર્ષીય પ્રિન્સ એન્ડ્રુએ વર્જિનિયા ગિફ્રે સાથે આ વર્ષે કથિત £7 મિલિયનમાં સિવિલ સેક્સ્યુઅલ એસોલ્ટ કેસ પતાવ્યો હતો અને 2019માં જાહેર ફરજોમાંથી રાજીનામું આપ્યું હતું. તેમની માનદ લશ્કરી પદવીઓ છીનવી લેવાઇ હતી અને તેની HRH ટાઇટલ્સનો ઉપયોગ નહીં કરવાની ફરજ પડી હતી. હેરી અને મેગને પોતાના ટાઇટલ જાળવી રાખ્યા છે પરંતુ હવે તેઓ શાહી પરિવાર ગણાતા નથી. એન્ડ્રુ અને સસેક્સિસ સપ્તાહના અંતે અન્ય સમયે દેખાઈ શકે છે.