હૈદરાબાદમાં 3 જુલાઈએ ભાજપની બે દિવસની રાષ્ટ્રીય કારોબારીની બેઠક બાદ જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાનો રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી અને પીયૂષ ગોયલ, ભાજપના પ્રમુખ જે પી નડ્ડા બીજા નેતાઓ (PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભાજપના સભ્યોને લાંબા સમય સુધી દેશમાં શાસન કર્યું હોવા છતાં મરણપથારીએ પડેલી પાર્ટીઓની મજાક ઉડાવવાની જગ્યાએ તેમની ભૂલોમાંથી શીખ મેળવવાની હાકલ કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાજપનો ઉદ્દેશ ભારતને તૃષ્ટીકરણમાંથી તૃપ્તિકરણ તરફ લઈ જવાનો છે.

હૈદરાબાદમાં ભાજપની બે દિવસની રાષ્ટ્રીય કારોબારીની બેઠકના અંતિમ સત્રમાં પોતાના પ્રવચનમાં મોદીએ પાર્ટીના કાર્યકરોને ભારતને શ્રેષ્ઠ બનાવવાની હાંકલ કરી હતી. તેમણે સંયમ, સંતુલિત અભિગમ અને સહકાર જેવી ક્વોલિટી પર ભાર મૂક્યો હતો. વિરોધ પક્ષોના તૃષ્ટીકરણના રાજકારણની હંમેશ ટીકા કરતાં મોદીએ જણાવ્યું હતું કે ભાજપનો હેતુ ભારતને તુષ્ટીકરણમાંથી તુપ્તિકરણ તરફ લઈ જવાનો છે. તેનાથી સબકા વિકાસ તરફ આગળ વધી શકાશે. તેમણે સ્નેહયાત્રા કાઢવાનું પણ સૂચન કર્યું હતું.

વિરોધ પક્ષોને નિશાન બનાવીને મોદીએ જણાવ્યું હતું કે ભારતના લોકો વંશવાદી રાજનીતિ અને વંશવાદી પાર્ટીઓથી ત્રાસી ગયા છે. આવા પક્ષો માટે લાંબો સમય ટકી રહેવાનું મુશ્કેલ છે. લોકો સાથે જોડાણ જાળવી રાખવાની પાર્ટીના કાર્યકરોને શીખામણ આપતા મોદીએ જણાવ્યું હતું કે મરણપથારીએ પડેલી પાર્ટીઓને મજાક ન ઉડાવવી જોઇએ, તેની જગ્યાએ તેમની ભૂલોમાંથી શીખ લેવી જોઇએ. વિરોધ પક્ષો ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. આપણે તેમની હાલતમાંથી શીખવું જોઇએ, કંઇ ભૂલોને કારણે તેમનું પતન થયું છે તે જાણવું જોઇએ. તેઓ લોકોથી વિમુખ થયા હતા. આપણે તેમના પતનના કારણોથી દૂર રહેવું જોઇએ. ભાજપના કાર્યકરોની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યું હતું કે ઘણા પક્ષો માટે સત્તામાંથી બહાર ફેંકાઈ ગયા બાદ તેમના અસ્તિત્વ સામે જોખમું ઊભું થયું છે, પરંતુ ભાજપના કાર્યકરો ભાજપ ક્યારેય સત્તા પર આવ્યો નથી તેવા રાજ્યોમાં પણ અડગ રહ્યાં છે.તેઓ પશ્ચિમ બંગાળ, કેરળ અને તેલંગણા જેવા પ્રતિકૂળ સ્થિતિ હેઠળના રાજ્યોમાં પણ દેશ માટે મજબૂત બનીને કામ કરી રહ્યાં છે.