હૈદરાબાદમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકની બીજા દિવસે 3 જુલાઈએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સંબોધન કર્યું હતું. (PTI Photo)

ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં સંબોધન કરતાં ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે આગામી 30થી 40 વર્ષ ભાજપનો યુગ હશે. તેમાં ભારત વિશ્વગુરુ બનશે. ભાજપ તેલંગણા અને પશ્ચિમ બંગાળમાં પરિવાર શાસનનો અંત લાવશે તથા એવા રાજ્યોમાં પણ સત્તા પર આવશે કે જે હજુ પક્ષની પહોંચ બહાર રહ્યાં છે.

રાજકીય ઠરાવ રજૂ કરતાં અમિત શાહે વંશવાદ, જ્ઞાતિવાદ અને તૃષ્ટીકરણના રાજકારણનો અંત લાવવાની હાકલ કરી હતી અને જણાવ્યું હતું કે તાજેતરની ચૂંટણીમાં ભાજપના શ્રેણીબદ્ધ વિજય વિકાસ અને કાર્યકુશળતાના રાજકારણને પુષ્ટી આપે છે.

ભાજપના વિકાસના આગામી રાઉન્ડમાં દક્ષિણ ભારત પર ફોકસ કરવાની જાહેરાત કરતાં અમિત શાહે જણાવ્યું હતું કે વિપક્ષ વિઘટિત અને ઉત્સાહ વગરનો બન્યો છે. કોંગ્રેસના સભ્યો તેમના સંગઠનમાં લોકશાહી માટે આંતરિક લડાઈ કરી રહ્યાં છે, કારણ તેનો સત્તાધારી પરિવાર તેમના હોદ્દા પર વળગી રહ્યો છે. 2002ના ગુજરાત રમખાણોના કેસમાં નરેન્દ્ર મોદી સહિત 64 ટકા લોકોને એસઆઇટીએ આપેલી ક્લિનચિટને પડકારતી અરજીને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાને અમિત શાહે ઐતિહાસિક ગણાવ્યો હતો.