Rain in Gujarat
સુરતમાં સોમવાર, 4 જુલાઈ 2022ના રોજ વરસાદને પગલે પેટ્રોલ પંપ પાસેના રસ્તા પર પાણી ભરાયા હતા. (PTI Photo)

ગુજરાતમાં આખરે મેઘરાજાની જમાવટ થઈ રહી છે. રાજ્યમાં 3 જુલાઈ સુધી ૪.૦૨ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૧૨ ટકા વરસાદ નોંધાયો હતા ચોમાસાની સિઝનમાં રાજ્યના ૧૭૮ તાલુકામાં મેઘમહેર થઇ છે. જૂન મહિનામાં ગુજરાતમાં સરેરાશ 79.7મીમી વરસાદ થયો હતો, જે 126.2 મીમીના સામાન્ય કરતાં 37 ટકા ઘટ દર્શાવે છે.

ભારતીય હવામાન વિભાગના 3 જુલાઈના ડેટા મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છ સબ ડિવિઝનમાં વરસાદની 45 ટકા ખાધ છે, જ્યારે ગુજરાતના બાકીના વિસ્તારોમાં વરસાદની ખાધ 30 ટકા છે. જુલાઈ મહિનામાં વધુ સારા વરસાદની આગાહી છે. ગુજરાતમાં અત્યાર સુધી એકમાત્ર બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે. આણંદ, સુરત અને વલસાડ સહિતના ત્રણ જિલ્લામાં સામાન્ય વરસાદ નોંધાયો છે.

બાકીના તમામ જિલ્લામાં વરસાદની ખાધ છે. કચ્છ, મોરબી, મહેસાણા, ગાંઘીનગર, દાહોદ, છોટા ઉદેપુર અને તાપી જેવા સાત જિલ્લામાં વરસાદની ખાધ 60 ટકાથી પણ વધુ છે.

શનિવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વ્યાપક વરસાદ થયો હતો. એકંદરે રાજ્યના 138 તાલુકામાં ઓછામાં ઓછો એક મીમી વરસાદ થયો છે. અમદાવાદમાં ચોમાસાની આ સિઝનમાં માત્ર એક વખત સારો વરસાદ નોંધાયો છે.
શનિવાર (2 જુલાઈ)એ રાજ્યના ૫૦ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેમાં ૨૮ તાલુકા એવા છે જ્યાં બે ઈંચથી વધુ મેઘમહેર થઇ હતી. જુનાગઢના માણાવદરમાં ચાર કલાકમાં ચાર ઈંચ સહિત કુલ સૌથી વધુ સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય તાપીના ડોલવણમાં ૩.૮૫, મહીસાગરના વિરપુરમાં ૩.૬૬, નવસારીના ખેરગામમાં ૩.૫૮ જ્યારે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ૩.૫૦ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય નવસારીના વાંસદા તેમજ જુનાગઢમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં ૩ ઈંચથી વધુ મેઘમહેર થઇ હતી. અન્યત્ર જ્યાં આજે બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો તેમાં જુનાગઢના માળિયા-માંગરોળ, જામનગરના જામજોધપુર, નવસારીના ગણદેવી-નવસારી-જલાલપોર-ચીખલી, વલસાડના વાપી-ઉમરગામ-કપરાડા-ધરમપુર-પારડી, ગીર સોમનાથના તલાલા, સુરતના ચોર્યાસી-પલસાણા, કચ્છના લખપત, સાબરકાંઠાના વડાલી, ખેડાના વસોનો સમાવેશ થાય છે. સુરતના પલસાણામાં શનિવાર સવાર સુધીમાં જ ૮ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

બોરસદ તાલુકાના ગામોમાં પૂર જેવી સ્થિતિ

આણંદના જિલ્લામાં નોંધાયેલા અતિભારે વરસાદથી બોરસદ તાલુકાના કેટલાક ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. તેનાથી નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) દ્વારા પૂરની સ્થિતિમાં ફસાયેલા ગામના ૩૮૦થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. એનડીઆરએફના એક અધિકારીએ જણાવ્યું કે, ‘બોરસદ તાલુકાના બે ગામ નીચાણવાળા વિસ્તારમાં હોવાથી ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. આ બંને ગામમાંથી ૩૮૦ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું હતું.

દરમિયાન હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આવતીકાલે જ્યાં ભારે વરસાદની આગાહી છે તેમાં સુરત, નવસારી, બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, તાપી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, દીવનો સમાવેશ થાય છે.