ભારતના સૌથી શ્રીમંત અને તાજેતરમાં જિઓ પ્લેટફોર્મ્સમાં અસાધારણ વિદેશી રોકાણ મેળવનાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર મુકેશ અંબાણી હવે વિશ્વ વિખ્યાત ઈન્વેસ્ટર-ટાયકૂન વોરેન બુફેને પાછળ મૂકી દઈને વિશ્વના ટોચના 10 શ્રીમંતોની યાદીમાં આઠમું સ્થાન હાંસલ કર્યું છે.

વર્ષ 2020 વિશ્વ માટે વિકટ અને કોરોના મહામારીના સંકટનું નીવડી રહ્યું છે, ત્યારે આ પડકારરૂપ વર્ષમાં પણ રિલાયન્સે તેના ડિજિટલ બિઝનેસો માટે અનેક મેગા ડિલ્સ કરીને પોતાની વૈશ્વિક વિખ્યાતી વધાર્યા વધુ સંપતિનું સર્જન કર્યું છે. આ સાથે મુકેશ અંબાણીએ વિશ્વના 10 સૌથી શ્રીમંતોની યાદીમાં સ્થાન ધરાવતા વોરેન બુફેને પાછળ મૂકી દઈ તેની સિદ્વિમાં નવું ચેપ્ટર ઉમેર્યું છે.

બ્લુમબર્ગ બિલીયોનર્સ ઇન્ડેક્સ મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સંપતિ હવે 68.3 અબજ ડોલર પહોંચી છે, જ્યારે વોરેન બુફેની સંપતિ 67.9 અબજ ડોલર રહી છે. ઉલ્લેખનીય છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરનો ભાવ માર્ચ 2020ના તળીયેથી બમણાથી વધુ થઈ ગયો છે.

કંપનીએ તેના ડિજિટલ બિઝનેસમાં વૈશ્વિક જાયન્ટો ફેસબુક ઈન્ક. અને સિલ્વર લેક સહિતની કંપનીઓ પાસેથી 15 અબજ ડોલરથી વધુ રોકાણ મેળવ્યું છે. આ સાથે બીપી પ્લેક. દ્વારા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ફયુલ-રીટેલ બિઝનેસમાં હોલ્ડિંગ માટે એક એબજ ડોલર ચૂકવ્યા છે.

મુકેશ અંબાણીની સંપતિમાં મોટા વધારા સાથે એ વિશ્વના ટોચના 10 સૌથી શ્રીમંતોના એક્ઝક્લુઝિવ ક્લબમાં ગત મહિને સ્થાન મેળવનારા એક માત્ર એશીયન ટાયકૂન બન્યા છે. પરંતુ વોરેન બુફે દ્વારા આ સપ્તાહમાં જ પોતે 2.9 અબજ ડોલર દાનમાં આપવામાં આવ્યા છે.

89 વર્ષીય ઓરેકલ ઓફ ઓમાહા તરીકે ઓળખાતા વોરન બુફે દ્વારા વર્ષ 2006થી બર્કશાયર હેથવે ઈન્ક.ના 37 અબજ ડોલરથી વધુ દાન કરાતાં શ્રીમંતોની યાદીમાં નીચે ઉતર્યા છે. આ સાથે બર્કશાયર હેથવેનો શેર પણ તાજેતરમાં નબળું પરફોર્મ કરવા લાગ્યો હતો. વિશ્વના 10 ટોચના શ્રીમંતોની યાદીમાં 63 વર્ષીય મુકેશ અંબાણી હવે આઠમાં સ્થાને રહ્યા છે, જ્યારે વોરેન બુફે નવમાં સ્થાને રહ્યા છે.