મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને પુત્ર અભિષેક બચ્ચનનો ગઈકાલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બચ્ચન પરિવારના એક પછી એક સભ્યો કોરોનાના ભરડામાં આવી ગયા છે.

પિતા-પુત્ર બાદ ઐશ્વર્ચા રાય બચ્ચન તેમજ આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આમ બચ્ચન પરિવારના કુલ ચાર સભ્યો કોરોનાગ્રસ્ત થયા છે. ઐશ્વર્ચા અને આરાધ્યા બચ્ચનનો બીજો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પિતા-પુત્રની તબિયત સારી હોવાનું નાણાવટી હોસ્પિટલના ક્રિટિકલ કેર સર્વિસના ડાયરેક્ટર ડો. અબ્દુલ સામદ અંસારીએ જણાવ્યું હતું. અમિતાભ બચ્ચન તેમજ અભિષેક બચ્ચનનો કોરોનાનો બીજો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાનું જણાયું છે પરંતુ તેમની તબિયત સ્થિર હોવાથી ચિંતા નહીં હોવાનું તબીબોએ જણાવ્યું હતું. બન્નેને લક્ષણો વગરનો કોરોના હોવાનું જણાયું છે.

બિગ બી અને તેમના પુત્ર અભિષેક બચ્ચનને શનિવારે રાત્રે ટ્વીટ કરીન માહિતી આપી હતી કે તેમને કોરોના સંક્રમણ થયું છે અને તેઓએ આ અંગે સત્તાવાળાઓને જાણ કરી છે તેમજ પરિવાર અને સ્ટાફના સભ્યોનો ટેસ્ટ પણ કરાયો છે. નોંધનીય છે કે અમિતાભની પત્ની જયા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

હોસ્પિટલના તબીબે અમિતાભ બચ્ચનની તબિયત સ્વસ્થ હોવાની ખાતરી કરી હતી. તેમનું બ્લડપ્રેશર અને અન્ય શારીરિક ક્રિયાઓ સામાન્ય છે. પિતા-પુત્રએ રાત્રે બરોબર ઊંઘ કરી હતી અને તેમણે સવારે નાસ્તો પણ કર્યો હતો.
નોંધનીય છે કે અભિષેક બચ્ચન તાજેતરમાં તેમની વેબ સીરિઝ માટે ડબિંગ કરી રહ્યા હોવાથી તેને બહાર જવું પડતું હતું અને આ કારણથી તેને કોરોના ચેપ લાગ્યો હોઈ શકે અને ત્યારબાદ તેના થકી પિતા અમિતાભ બચ્ચન પણ સંક્રમિત થયા હોવાની આશંકા છે.

અભિષેકે શનિવારે રાત્રે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તે અને તેના પિતા અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ આવ્યા છે અને તેમણે બીએમસીના સત્તાવાળાઓને આ અંગે જાણ કરી દીધી છે.બીએમસીએ રવિવારે બચ્ચન પરિવારના બંગ્લા જનક, જલસા તેમજ પ્રતિક્ષાને સેનિટીઝ કરવાની કામગીરી હાથ ધરી હતી તેમજ સીનિયર અને જૂનિયર બચ્ચનના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરી તેમના રિપોર્ટની તપાસ આદરી હતી.

બીએમસીના સૂત્રોએ જણાવ્યા મુજબ અમિતાભ બચ્ચનના જનક, જલસા અને પ્રતિક્ષા બંગ્લાઓમાં સેનિટાઈઝેશનની કામગીરી હાથધરાઈ છે.અમિતાભ બચ્ચનને કોરોના થતા તેમને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાના અહેવાલને પગલે તેમના દેશ અને દુનિયાના કોરોડો ચાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

દેશના ટોચના જાણીતા લોકોએ પણ બચ્ચનને જલ્દીથી સ્વસ્થ થવા શુભકામના પાઠવી હતી. મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ માહિતી આપી હતી કે બચ્ચન પરિવારના તમામ સભ્યો અમિતાભ, અભિષેક, જયા તેમજ ઐશ્વર્યા તમામે કોવિડ 19 માટેના સ્વેબ ટેસ્ટ આપ્યા હતા.