વુલ્વરહેમ્પ્ટનના કાર પાર્કમાં નવપ્રીત સિંહ નામના શીખ યુવાનની હત્યાની તપાસ કરી રહેલા પોલીસ ડીટેક્ટીવ્સે હત્યાની તપાસના ભાગ રૂપે બે શંકાસ્પદોની તસવીરો જાહેર કરી છે અને તેમની શોધ કરી રહ્યા છે.
વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે જણાવ્યું હતું કે 22 ઓક્ટોબરના રોજ ડડલી રોડ નજીક મધરાત્રે 1 વાગ્યે કાર પાર્કિંગ વિસ્તારમાં અવ્યવસ્થા સર્જાઇ હતી અને હુમલો થયા બાદ અને ઇજાઓના કારણે 26 વર્ષીય નવપ્રીત સિંહનું મૃત્યુ થયું હતું.
શ્રી સિંહને તેમના પરિવાર દ્વારા “પ્રતિષ્ઠિત” પિતા તરીકે વર્ણવવામાં આવ્યા હતા જે તેમના બીજા બાળકના જન્મની “આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.”
પોલીસે 20 વર્ષીય વ્યક્તિ પર હત્યાનો આરોપ મૂક્યો છે અને 18 થી 38 વર્ષની વયના પાંચ અન્ય લોકોની ધરપકડ કરી તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.

પોલીસે તપાસ માટે એક સમર્પિતઓનલાઈન પોર્ટલ સ્થાપિત કર્યું છે જ્યાં બનાવ અંગેની માહિતી, છબીઓ, CCTV અને ડેશકેમ અપલોડ કરી શકાય છે.
પોલીસને મળેલી CCTVની બે તસવીરોમાં એકના વાળ ભૂરા છે અને કાળા રંગનું જેકેટ પહેરેલું છે અને તે લાકડાના બૂથમાં અથવા લાકડાની દિવાલ પાસે ઊભો કે બેઠો હોવાનું દેખાય છે. બીજો પુરુષ એક દુકાનમાં હોવાનું દેખાય છે જેની પાછળ કાપડ અથવા સામગ્રી જેવું લાગે છે. તેની નાની મૂછો અને ભૂરા વાળ છે અને કાળા રંગનું જેકેટ પહેરેલું છે.














