વિદેશ પ્રધાન એસ જયશંકરે મંગળવારે ચેતવણી આપી હતી કે આગામી પાંચ વર્ષ માટે વિશ્વનું ભાવિ “ખૂબ જ ખરાબ” હશે. તેમણે આ આગાહી માટે યુક્રેનમાં યુદ્ધ, ઇઝરાયેલ-પેલેસ્ટાઇન સંઘર્ષ અને કોવિડ-19 રોગચાળાની અસર સહિત વિશ્વભરમાં ચાલી રહેલા સંઘર્ષને જવાબદાર ગણાવ્યા હતાં. જયશંકરે સ્વીકાર્યું કે, તેઓ સામાન્ય રીતે આશાવાદી દૃષ્ટિકોણ ધરાવતા હોવા છતાં, વિશ્વ હાલમાં અપવાદરૂપે પડકારજનક સમયગાળાનો સામનો કરી રહ્યું છે.
દિલ્હીમાં ‘ઇન્ડિયાસ્પોરા બીસીજી ઇમ્પેક્ટ રિપોર્ટ’ જારી કરવાના કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે “….આગામી પાંચ વર્ષ માટે ખૂબ જ ભયંકર આગાહી છે. મધ્ય-પૂર્વ (પશ્ચિમ એશિયા), યુક્રેન, દક્ષિણ એશિયામાં જે થઈ રહ્યું છે, કોવિડની સતત અસરને કારણે ઘણા લોકો તેમાંથી બહાર નથી આવી શક્યા”
જયશંકરે અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણી પર કહ્યું હતું કે ભારતની નરેન્દ્ર મોદી સરકાર નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં જે પણ જીતે તેની સાથે કામ કરવા તૈયાર છે.
મંગળવારે દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન વિદેશમંત્રીને પૂછવામાં આવ્યું હતું કે, વિશ્વમાં આકાર લઈ રહેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને તમે ભવિષ્યને કેવી રીતે જુઓ છો? જવાબમાં જયશંકરે કહ્યું, “હું આશાવાદી વ્યક્તિ છું અને સામાન્ય રીતે સમસ્યાઓના ઉકેલ વિશે વિચારું છું અને ઉકેલોમાંથી ઊભી થતી સમસ્યાઓ વિશે નહીં. પરંતુ હું ખૂબ જ ગંભીરતાથી કહીશ કે આપણે અત્યંત મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ.” જયશંકરે વધુમાં કહ્યું હતું કે તમે જઈ રહ્યા છો કે વિશ્વ સામે આર્થિક પડકારો છે, વધુ ને વધુ દેશો સંઘર્ષ કરી રહ્યા છે, વેપાર-ધંધા મુશ્કેલ બની ગયાં છે, વિદેશી હૂંડિયામણની અછત છે. તેમણે ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષ અને ઈરાન સમર્થિત હુથી મિલિશિયા દ્વારા રાતા સમુદ્રમાં વેપારી જહાજોની લૂંટની વધતી ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.