ગુજરાતના ડેપ્યુટી મુખ્યપ્રધાન અને નાણાપ્રધાન પ્રધાન નીતિન પટેલ (ફોટો સૌજન્યઃ ફેસબુકઃ @NitinbhaiPatelbjp)

ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનુ મુખ્યપ્રધાન બનવાનુ સ્વપ્ન ફરીએકવાર રોળાઈ ગયું હતું.

નવા મુખ્યપ્રધાન તરીકેના દાવેદારોમાં જેમના નામ ચર્ચાતા હતા તેમાં નીતિન પટેલના નામનો પણ સમાવેશ થયો હતો. જોકે હાઈકમાન્ડે ફરી વખત એક આશ્ચર્યજનક ચહેરાની પસંદગી કરી છે.

અગાઉ 2014 અને 2016માં પણ બે વખત તેઓ મુખ્યપ્રધાન પદની રેસમાં સામેલ હતા. જોકે ભાજપે આ વખતે પણ તેમની જગ્યાએ બીજા નેતાની પસંદગી કરી હોવાથી હવે તેમની આગળની કેરિયર પણ સવાલો ઊભા થયા છે.
2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન તરીકે નીતિન પટેલનુ નામ ચર્ચામાં રહ્યું હતું. જોકે તે સમયે આનંદીબેન પટેલ મુખ્યપ્રધાન બન્યાં હતાં. આ પછી આનંદીબેને પટેલે પાટીદાર આંદોલનના પગલે 2016માં રાજીનામુ આપ્યુ ત્યારે ફરી નીતિન પટેલનુ નામ દાવેદારોમાં બોલાતું થયું હતું. જોકે તે સમયે પણ અમિત શાહની પસંદગી મનાતા વિજય રૂપાણીને મુખ્યપ્રધાન બનાવાયા હતા અને તેના પગલે નીતિન પટેલ નારાજ થયા હતા. આખરે પાર્ટીએ તેમને ડેપ્યુટી મુખ્યપ્રધાનનો હોદ્દો આપ્યો હતો.