યુરોપિયન યુનિયનને જેબ્સ સપ્લાય કરવાના કરાર પર હસ્તાક્ષર કરવામાં વિલંબ થયાના થોડા દિવસો બાદ જ વડા પ્રધાન બોરિસ જોન્સને બ્રિટીશ દવા ઉત્પાદક ગ્લેક્સોસ્મિથક્લાઇન (જીએસકે) સાથેના કરારની પુષ્ટિ કરી જણાવ્યું છે કે નોવાવેક્સ કોરોનાવાયરસ રસીના 60 મિલિયન ડોઝ બ્રિટનના નોર્થ ઇસ્ટ ઇંગ્લેન્ડમાં બનાવવામાં આવશે.

જીએસકે મેની શરૂઆતમાં “ફિલ એન્ડ ફિનિશ” ઉત્પાદન ક્ષમતા પ્રદાન કરશે. બ્રિટને ગયા વર્ષે જીવ બચાવનાર નોવાવેક્સ રસીના 60 મિલિયન ડોઝ માટે ડીલ કર્યું હતું. જો કે તેને વાપરવા માટે નિયમનકારે મંજૂરી આપી નથી.

ટેલીવિઝ્ડ કોરોનાવાયરસ બ્રીફિંગમાં વડા પ્રધાને કહ્યું: “અમે જુલાઈના અંત સુધીમાં બધા પુખ્ત વયના લોકોને રસી આપવાની અમારી યોજનાને આગળ ધપાવીએ છીએ ત્યારે અમે યુકેની પોતાની લાંબા ગાળાની રસી ઉત્પાદનની ક્ષમતા બનાવી રહ્યા છીએ.

આ મહિનાની શરૂઆતમાં કંપનીએ જાહેરાત કરી હતી કે નોવાવેક્સ રસી કેન્ટ વેરિએન્ટ સામે 86 ટકા અસરકારક છે અને કોરોનાવાયરસના મૂળ સ્ટ્રેઇન સામે 96 ટકા જેટલી અસરકારક છે. યુકેમાં ત્રણ તબક્કાના ટેસ્ટીંગ પરિણામો અનુસાર તે રસી હોસ્પિટલમાં પ્રવેશ અને મૃત્યુ સહિતના ગંભીર રોગ સામે 100 ટકા રક્ષણ આપે છે. મે મહિનામાં નોવાવેક્સ રસીના ઉત્પાદનને રેગ્યુલેટર્સ દ્વારા ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવશે તો ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામના રોલઆઉટને ઝડપી બનાવવામાં મદદ મળશે.