(ANI Photo)
આજથી 23 વર્ષ અગાઉ અનિલ કપૂરની યાદગાર ફિલ્મ નાયકઃ ધ રિયલ હીરો રીલીઝ થઇ હતી. હવે આ ફિલ્મની સીક્વલ બનાવવાની તૈયારીઓ થઇ રહી છે. આ ફિલ્મમાં પણ અનિલ કપૂર અને રાની મુખરજી ફરીથી જોવા મળશે.
એસ. શંકરના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ સુપર-ડુપર હિટ ગઇ હતી અને તેથી જ તેની સીક્વલની રાહ જોવાતી હતી. આ ફિલ્મમાં અમરિશ પૂરીએ પણ યાદગાર ભૂમિકા ભજવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યારે આ સીક્વલ ફિલ્મની પટકથા લખાઈ રહી છે અને તેની સ્ટોરી અગાઉની ફિલ્મ જ્યાં પૂર્ણ થઈ હતી ત્યાંથી જ શરૂ થશે.
સીક્વલમાં મુખ્ય પ્રધાન બનેલા ટીવી એન્કર શિવાજી રાવ અને તેના પરિવારનું તેના સત્તા પર આવ્યા પછી શું થયું તેના વિશે જણાવાશે. આ ફિલ્મમાં પણ ભ્રષ્ટાચાર, અધિકારીરાજ અને લોકતંત્રની વાત હશે. ફિલ્મના નિર્માતા દીપક મુકુટે પ્રોજેક્ટની પુષ્ટી કરતા કહ્યું છે કે અનિલ કપૂર અને રાની મુખરજી સાથે ચર્ચા શરૂ કરી છે.
દિગ્દર્શકનું નામ નક્કી કરવામાં આવ્યું નથી. અનિલ કપૂર અને રાની મુખર્જી તેમની અગાઉની ભૂમિકા ભજવવાના હોવાથી નાયક ટુ અતિ અપેક્ષિત સીક્વલ તરીકે ઊભરી આવી રહી છે. મૂળ ફિલ્મની સફળતામાં તેમના અભિનયનો મુખ્ય ફાળો હતો.

LEAVE A REPLY