Record earnings of Sri Lanka Cricket Board
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતની કંપનીમાં નોન-રિપેટ્રિયેશન બેસિસે બિનનિવાસી ભારતીય (એનઆરઆઇ) દ્વારા કરવામાં આવેલા રોકાણને ઘરેલુ રોકાણ ગણવામાં આવશે. આવા રોકાણને પરોક્ષ વિદેશી રોકાણ ગણવામાં આવશે નહીં.

ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગની યાદીમાં જણાવાયું હતું કે સરકારે નોન રિપેટ્રીયેશન બેસિસે બિનનિવાસી ભારતીયોઓની માલિકી અને અંકુશ હેઠળની ભારતીય કંપની દ્વારા કરવામાં આવેલા રોકાણના સંદર્ભમાં એફડીઆઇ (સીધા વિદેશી રોકાણ) નીતિની સમીક્ષા કરી છે.

NRIsના ડાઉનસ્ટ્રીમ રોકાણ અંગે સ્પષ્ટતા કરવા એફડીઆઇ નીતિમાં એક કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ કલમનો ઉમેરો સીધા અને પરોક્ષ વિદેશી રોકાણની ગણતરી માટેની ગાઇડલાઇનમાં ઉમેરવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ફોરેન એક્સ્ચેન્જ મેનેજમેન્ટ (નોન-ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ) રૂલ્સ 2019 મુજબ નોન રિપેટ્રિયેશન બેસિસે NRIsએ કરેલા રોકાણને નિવાસી ભારતીયના રોકાણની જેમ ઘરેલુ રોકાણ માનવામાં આવશે.

એ જ રીતે NRIsની માલિકીની અને અંકુશ હેઠળની ભારતીય કંપનીએ નોન રિપેટ્રિયેશન બેસિસે કરેલા રોકાણને પરોક્ષ વિદેશી રોકાણની ગણતરી માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં. આ નિર્ણયનો અમલ ફેમા નોટિફિકેશન્સની તારીખથી થશે.

આ નિર્ણય અંગે ડિલોઇટ ઇન્ડિયાના રાજેશ ગાંધીએ જણાવ્યું હતું કે આ અખબારી યાદી એ ઉપયોગી સ્પષ્ટતા કરે છે કે ભારતીય કંપનીમાં નોન રિપેટ્રિયેશન બેસિસે કરવામાં આવેલા NRI રોકાણને આવી ભારતીય કંપનીના પરોક્ષ વિદેશી રોકાણની ગણતરીના હેતુ માટે એફડીઆઇ ગણવામાં આવશે નહીં.

રિપેટ્રિયેશન બેસિસે રોકાણ એટલે કે રોકાણની પાકતી મુદત થયેલી આવકને ભારતમાંથી બહાર ટ્રાન્સફર કરી શકાય છે. નોન રિપેટ્રિયેશન રોકાણના સંદર્ભમાં તેને ભારતની બહાર ટ્રાન્સફર કરી શકાય નહીં.