મહંમદ પયગંબર સાહેબ અંગે વિવાદાસ્પદ ટીપ્પણી બદલ ભાજપ તેના પ્રવક્તા નુપુર શર્માને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા. (ફાઇલ ફોટો (PTI Photo/Manvender Vashist)

ભારતની સુપ્રીમ કોર્ટે મંગળવાર (19 જુલાઇ)એ પયગંબર સાહેબ અંગે વિવાદાસ્પદ ટીપ્પણી કરનારા ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની ધરપકડ સામે 10 ઓગસ્ટ સુધી સ્ટે આપ્યો છે. નુપુર શર્મા સામે મહંમદ પયગંબર વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપવા બદલ અલગ-અલગ રાજ્યોમાં કેસ નોંધાયા છે. નૂપુર શર્માએ આ તમામ કેસને એક જગ્યાએ શિફ્ટ કરવાની માગણી કરી હતી. આ અરજીની સુનાવણી કરતા કોર્ટે નૂપુર શર્માને ધરપકડ સામે રક્ષણ આપ્યું હતું. આ મામલે વધુ સુનાવણી હવે 10 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે. કોર્ટે વિવાદિત નિવેદન બદલ તેમની સામે હવે કોઇ નવી ફરિયાદ ન દાખલ કરવાનો પણ આદેશ આપ્યો છે.

નુપુર શર્મા સામે વિવિધ રાજ્યોમાં કુલ નવ ફરિયાદો દાખલ થઈ છે. નૂપુર શર્માએ આ તમામ ફરિયાદમાં અલગ-અલગ તપાસ કરવાને બદલે તેમને એક કરી દેવા પણ કોર્ટમાં અરજી કરી હતી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને જે રાજ્યોમાં તેમની સામે ફરિયાદ નોંધાઈ છે તેમને આ મામલે નોટિસ મોકલીને 10 ઓગસ્ટ સુધીમાં તેમનો જવાબ માગ્યો છે.નુપુર શર્માના વકીલે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે પહેલી જુલાઈની સુપ્રીમ કોર્ટની આકરી ટીપ્પણી પછીથી નુપુરના જીવન સામેના જોખમમાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, 01 જુલાઈના રોજ હાથ ધરાયેલી સુનાવણીમાં સુપ્રીમની આ જ બેન્ચે નૂપુર શર્માની આકરી ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે તેમના નિવેદનને કારણે દેશમાં આગ ભડકી ઉઠી છે, અને જે કંઈ થયું છે તે તેના માટે માત્ર તેઓ જ જવાબદાર છે.