યુએસ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઈસીઈ)ના ‘SEVIS બાય ધ નંબર 2024’ નામના રીપોર્ટમાં જણાવ્યા મુજબ 2024માં અમેરિકામાં એક્ટિવ એફ-1 અને એમ-1 ઇન્ટરનેશનલ સ્ટુડન્ટની સંખ્યા 15.8 લાખ હતી, જે અગાઉના વર્ષની સરખામણીમાં 5.3 ટકાનો વધારો દર્શાવે છે. સ્ટુડન્ટ એન્ડ એક્સ્ચેન્જ વિઝિટર ઇન્ફર્મેશન સિસ્ટમ (SEVIS)ના આ ડેટા મુજબ અમેરિકામાં 229 દેશોમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવ્યા હતાં, પરંતુ વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉછાળો માટે ભારતનું મુખ્ય યોગદાન છે.
આ ડેટા મુજબ 2024માં અમેરિકામાં અભ્યાસ કરનારા દર ચાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી એક ભારતીય હતો. 2024માં અમેરિકામાં ભારતના વિદ્યાર્થીઓની સંખ્યા આશરે 4.2 લાખ હતી, જે 2023ની તુલનાએ 11.8 ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે. અમેરિકાના કુલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારતનો હિસ્સો 27 ટકા જેટલો છે, જ્યારે ચીનનો હિસ્સો 20 ટકા જેટલો છે.
અમેરિકામાં અભ્યાસ માટે આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં 72 ટકા સાથે એશિયનોની સંખ્યા સૌથી વધુ છે. એશિયાના આશરે 11 લાખ વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરે છે. જેમાંથી આશરે 4.2 લાખ ભારતીય છે. 3.2 લાખ વિદ્યાર્થીઓ સાથે બીજા ક્રમે ચીન છે. જોકે 2023ની તુલનાએ 2024માં અમેરિકામાં અભ્યાસ માટે આવતાં ચીનના વિદ્યાર્થીઓનું પ્રમાણ 0.25 ટકા જેટલું ઘટ્યું છે.
આઈસીઈના અહેવાલ અનુસાર, કેલિફોર્નિયામાં સૌથી વધુ 2.37 લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. જ્યારે બીજા ક્રમે રહેલાં ન્યૂયોર્કમાં 1.72 લાખ વિદેશી વિદ્યાર્થીઓ વિવિધ ઊચ્ચ શૈક્ષણિક ડિગ્રી અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહ્યાં છે.
બોસ્ટન કોલેજના પ્રોફેસર અને ઉચ્ચ શિક્ષણના નિષ્ણાત ક્રિસ.આર. ગ્લાસના જણાવ્યાં અનુસાર, સેવિસના આંકડા અનુસાર, માર્ચ, 2024ના 11.53 લાખ સક્રિય વિદ્યાર્થીઓની તુલનાએ માર્ચ, 2025માં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી 10.22 લાખ થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે, માર્ચ, 2024ના આશરે 3.54 લાખ વિદ્યાર્થીઓની તુલનાએ માર્ચ, 2025માં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 28 ટકા જેટલી ઘટી 2.55 લાખ રહેવા પામી હતી. જ્યારે ચીનના વિદ્યાર્થીઓની સંખ્યા માર્ચ, 2025માં 3.28 ટકા જેટલી વધી 2.63 લાખ થઈ હતી.
