ગુજરાતમાં આવેલા ટીયર-1 કેટેગરીમાં આવતા મોટા શહેરોના ગ્રાહકોની સરખામણીએ ટીયર-2 અને ટીયર-4ની કેટેગરીમાં આવતા નાના શહેરોનાં ગ્રાહકોએ તેમના છેલ્લા ઓનલાઇન શોપિંગના ઓર્ડરમાં 77 ટકા વધુ રકમનો ખર્ચ કર્યો હતો એમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદના એક ફેકલ્ટી દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા એક રીપોર્ટમાં જણાવાયું છે. નાના અને મોટા એમ બંને પ્રકારના શહેરોના ગ્રાહકોમાં ઓનલાઇન શોપિંગના વધી ગયેલા વલણને તેમની આર્થિક સદ્ધરતા કહો કે પછી તેમનો શોખ, પરંતુ તેના કારણે ઓનલાઇન વેચાણ કરતી અનેક કંપનીઓના બિઝનેસમાં પણ વધારો નોંધાયો હતો.

રીપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, હવે ઓનલાઇન બ્રાઉઝિંગ લોકો માટે ટાઇમ પાસ કરવાનું શ્રેષ્ઠ સાધન બની ગયું છે, કેમ કે ત્રીજા ભાગના ગ્રાહકો દર બે-ત્રણ દિવસે ઓનલાઇન વેચાણ કરતી વિવિધ કંપનીઓની વેબસાઇટ બ્રાઉઝ કરતાં હોય છે. આ પ્રકારની પ્રવૃત્તિ પાછળ પ્રત્યેક ગ્રાહક સરેરાશ 35 મિનિટનો સમય પસાર કરે છે. છેલ્લા એકથી ત્રણ વર્ષના સમયગાળા દરમ્યાન 72 ટકા ગ્રાહકોએ પોતાની જરૂરિયાતની ચીજવસ્તુઓ ઓનલાઇન ખરીદી હતી જે કોવિડના સમયમાં ઓનલાઇન ખરીદીમાં ધરખમ વધારો થયો હોવાનું સૂચવે છે.

‘ડિજિટલ રિટેઇલ પ્લેટફોર્મ એન્ડ કન્ઝુમર્સ ઇમોશન્સઃ એન ઇન્ડિયન પર્સપેક્ટિવ’ શીર્ષક ધરાવતો આ રીપોર્ટ આઇઆઇએમ-અમદાવાદના પ્રોફે. પંકજ સેતિયા, પ્રોફે. સદાનંદ દેવધર અને પ્રોફે. ઉજ્જવલ દધીચ દ્વારા તૈયાર કરાયો હતો. જેમાં દેશના નાના તથા મોટા શહેરોમાં ડિજિટલ પ્લેટફોર્મ ઉપરથી ખરીદી કરવાનો અભિગમ લોકો દ્વારા કેવી રીતે સ્વીકારી લેવાયો છે તે અંગેની વિગતવાર છણાવટ કરાઇ છે.

LEAVE A REPLY