(ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે આક્ષેપ કર્યો હતો કે વિપક્ષોનું ગઠબંધન પ્રાચીન આસ્થાનો ‘નાશ’ કરવાનો અને દેશને હજારો વર્ષ જૂની ગુલામીમાં ધકેલવાનો પ્રયાસ કરી રહ્યું છે. ડીએમકેના નેતાના સનાતન ધર્મનો નાશ કરવાની ટીપ્પણી પછી ઊભા થયેલા વિવાદ પછી પ્રથમ વખત વડાપ્રધાનને આ મુદ્દે પોતાનું નિવેદન આપ્યું હતું.

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં જાહેરસભાઓમાં મોદીએ ઇન્ડિયા ગઠબંધનને ‘ઘમંડિયા’ તરીકે ગણાવ્યું હતું અને આક્ષેપ કર્યો હતો કે ભાજપ વિરોધી પક્ષોનો નવો બનેલો મોરચો ભારત તેમજ હજારો વર્ષ જૂની ભવ્ય સંસ્કૃતિને ભૂંસવા માગે છે. લોકો આવા તત્વોથી સાવચેત રહેવુ જોઇએ.

તાજેતરમાં સફળતાપૂર્વક પૂર્ણ થયેલા જી20 સમિટનો પણ ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે બે દિવસની મેગા ઇવેન્ટમાં હાજર રહેલા વૈશ્વિક નેતાઓ વિકાસ અને ગરીબોના કલ્યાણ પર ભારતના ફોકસથી પ્રભાવિત થયા છે. જી20માં ભારતની યજમાનીની સફળતાનું શ્રેય દેશના લોકોને જાય છે તેમ જણાવતાં મોદીએ ઉમેર્યું હતું કે તેનાથી ગામડાઓમાં પણ બાળકોના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. ‘ઘમંડિયા’ ગઠબંધનની પાસે કોઇ નીતિ નથી, કોઇ મુદા નથી કે કોઇ નેતા પણ નથી. તેમની પાસે સનાતન ધર્મ પર પ્રહારનો છુપો એજન્ડા છે. તેઓ સનાતન ધર્મનો નાશ કરી દેવા માગે છે.

ઉલ્લેખનીય છે કે સનાતન ધર્મને મલેરિયા અને ડેંગ્યુ જેવી બીમારીથી સરખાવીને તેને નાબૂદ કરવા જોઇએ તેવા તમિલનાડુના પ્રધાન ઉદયનિધિ સ્ટાલિનના વિવાદાસ્પદ નિવેદનને પગલે વડાપ્રધાનને આ ટિપ્પણી કરીને તેનો જવાબ આપ્યો હતો.

દેશના મહાનુભાવો સનાનત ધર્મથી પ્રેરિત થયા હતા. મહાત્મા ગાંધીએ આજીવન સનાતનના સિદ્ધાંતોનું પાલન કર્યું હતું તેમ કહીને મોદીએ તેમણે છેલ્લે બોલેલા ‘હે રામ’ શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. ઇન્દોરના અહિલ્યાબાઇ હોલકર, રાણી લક્ષ્મીબાઇ, સ્વામી વિવેકાનંદ અને લોકમાન્ય તિલકે પણ સનાતનથી પ્રેરણા લીધી હતી.

LEAVE A REPLY

five × two =