ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં નેશનલ બેંક ઓફ પાકિસ્તાન (NBP) સામે કરાયેલા ટેરર-ફાઇનાન્સિંગ કેસ પાછો ખેંચી લેવામાં આવતા તે સંભવિત નાદારીથી બચી ગઈ છે, તેમ પાકિસ્તાની મીડિયાએ પાકિસ્તાન એટર્ની જનરલ ઓફિસના સૂત્રોને ટાંકીને એક રીપોર્ટમાં જણાવ્યું હતું. મીડિયા રીપોર્ટ્સમાં જણાવ્યા મુજબ, કેસ કરનાર હારોલ્ડ બ્રાઉન સીનિયરે NBP સામેનો કેસ પરત લઇ લીધો હોવાથી નેશનલ બેંકની કેસમાં જીત થઇ છે. જિયો ન્યૂઝના રીપોર્ટ અનુસાર નેશનલ બેંક પર અફઘાનિસ્તાનમાં અમેરિકાના મિલિટરી સ્થાનો પરના હુમલાની યોજના બનાવવા અને તેના સંચાલન માટે ઉપયોગમાં લેવાતા ભંડોળને તબદિલ કરવાની સુવિધા આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેમાં નવ અમેરિકન સૈનિકોના મોત થયા હતા. જો બેંક આ કેસ હારી ગઇ હોત તો તેણે નાદારીનો સામનો કરવો પડ્યો હોત અને તેને બિલિયન્સ ડોલરના દંડ ફટકારવામાં આવ્યો હોત તેવું મીડિયા રીપોર્ટમાં એટર્ની જનરલ ઓફિસના સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)માં પાકિસ્તાનને ગંભીર મુદાઓનો સામનો કરવો પડ્યો હોત. કેસ ફાઇલ કરતી વખતે હારોલ્ડ બ્રાઉને આરોપ મૂક્યો હતો કે NBPએ અલ-કાયદા સહિત ઘણા કુખ્યાત આતંકી ગ્રૂપો અને આતંકવાદીઓ માટે ભંડોળ એકત્ર કરનારાઓને નાણાકીય મદદ અને બેંકિંગ સર્વીસીઝ આપી હતી. NBP સામેના કેસનું સંચાલન એટર્ની જનરલ ઓફિસના ઇન્ટરનેશનલ ડિસ્પ્યુટ્સ યુનિટ દ્વારા કરવામાં આવી રહ્યું હતું.