પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કોરોના વાઇરસના કેસોને અંકુશમાં લેવા માટે પાકિસ્તાનના સત્તાવાળાએ 26 નવેમ્બરથી 10 જાન્યુઆરી સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો સોમવારે નિર્ણય કર્યો હતો. પાકિસ્તાન કોરોનાથી 7,700 લોકોના મોત થયા છે અને આશરે 3.7 લાખ લોકો સંક્રમણનો ભોગ બન્યા છે.

પાકિસ્તાનના શિક્ષણ પ્રધાનોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન શફાકત મહમૂદના વડપણ તમામ ચાર પ્રાંત તથા પાકિસ્તાનનના કબજા હેઠળના કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટીસ્તાનના પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી. મહમૂદે જણાવ્યું હતું કે તમામ યુનિવર્સિટી, કોલેજ અને સ્કૂલ્સમાં ઓનલાઇન ટીચિંગ ચાલુ કરવાનો અને 26 નવેમ્બરથી 24 ડિસેમ્બર સુધી તમામ શિક્ષણ સંસ્થાઓ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 25 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી સુધી શિયાળુ વેકેશન રહેશે. શિક્ષણ સંસ્થાઓ 11 જાન્યુઆરીથી ફરી ખુલશે. જોકે અમે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં સ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક યોજીશું.

પ્રધાને જણાવ્યું હતું કે પરીક્ષાઓ રદ કરવામાં આવી છે અને જાન્યુઆરીમાં શિક્ષણ સંસ્થાઓ ફરી ખોલવામાં આવ્યા બાદ પરીક્ષાઓ યોજવામાં આવશે. પાકિસ્તાનમાં કોરોના વાઇરસના કેસ સોમવારે વધીને 376,929 થયા હતા. નેશનલ હેલ્થ સર્વિસિસ મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 2,756 કેસ નોંધાયા હતા. અત્યાર સુધી 330,885 લોકો રિકવર થયા છે, જ્યારે 1,677 લોકો ગંભીર સ્થિતિમાં છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 38,348 છે.