પાકિસ્તાનમાં અમારી ધાર્મિક સ્વતંત્રતા છીનવાઇ ગઇ હતી. સામાજિક સુરક્ષિતતાનો પણ અભાવ હતો, બાળકો અસુરક્ષિત હતા અને અમારા ઉજ્જવળ ભવિષ્ય માટે ભારત એક માત્ર સહારો હતો હર્ષ અને કૃતજ્ઞતાના ભાવ સાથેના લાગણી અભિવ્યકત કરતા કરાંચીથી રાજકોટ આવી શરણાર્થી તરીકે રહેતા નટુભાઇ પરમારે આ વાત કરી હતી. રાષ્ટ્રીય સફાઇ કામદાર આયોગના અધ્યક્ષ મનહરભાઇ ઝાલાએ આજરોજ રાજકોટ સ્થિત રેલનગરમાં રહેતા પાકિસ્તાનથી શરણાાર્થી તરીકે આવેલા અનુસુચિત જાતિના લોકોની રૂબરૂ મૂલાકાત લીધી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા હાલમાંજ ઘડાયેલ નાગરીકતા સંશોધન કાયદા અન્વયે શરણાર્થી અનુસૂચિત જાતિના પરિવારોએ તેમની આપવીતી વર્ણવીને કેન્દ્ર સરકાર અને વિશેષમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રત્યે તેમના આ સંવેદનશીલ નિર્ણય લેવા બાબતે હર્ષ સાથે આભારની લાગણી વ્યકત કરી હતી. રાજકોટ ખાતે આવા 100થી વધુ શરણાર્થી પરિવારોના 800થી વધુ લોકો વસવાટ કરી રહ્યા છે. આવા જ એક શરણાર્થી અને કરાંચી ખાતે કોમ્પ્યુટરને લગતા વ્યવસાય સાથે સંકળાયેલા હતા તેવા કિશોરભાઇ જેઠવાએ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં તેઓના પરિવારની કોઇજ સુરક્ષિતતા ન હતી.
ધાર્મિક તહેવારો અને ધાર્મિક કાર્યો બાબતે પણ સ્વતંત્રતા ન હતી. અહીં તેઓ સુરક્ષા સાથે સ્વતંત્ર્તાનો અનુભવ કરી રહયા છે. આ તકે પાકિસ્તાન સ્થિત સુઝુકી કંપનીના આસી. મેનેજર ફાઇનાન્સની પોતાની ઉજ્જવળ કારર્કિદી છોડી રાજકોટ ખાતે શરણ લઇ વસતા કલ્યાણભાઇ માવજીભાઇ વાઘેલાએ રાજકોટના સૌ શરણાર્થી પરિવારો દ્વારા નરેન્દ્રભાઇ મોદીને CAA કાયદા અન્વયે ભારતીય નાગરીકતા આપવાની કાર્યવાહિ બાબતે આભારની લાગણી સાથે અભિવાદન કરતો પત્ર આયોગના અધ્યક્ષ મનહરભાઇ ઝાલાને અર્પણ કર્યો હતો.
આ સાથે તેઓના પાકિસ્તાનમાં રહેતા અને ભારત નાગરિકતા મેળવવાની ચાતક નજરે વાટ જોતા અન્ય પરિવારજનો માટે પણ કાયદાકિય વ્યવસ્થા કરવા અંગે રજૂઆત આયોગના અધ્યક્ષ મનહરભાઇ ઝાલાને કરી હતી. આ પ્રસંગે અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામક એન.જે.પાણેરી, ગુજરાત સફાઇ કામદાર નિગમના મદદનીશ મેનેજર દિનેશભાઇ માવદીયા, સ્થાનિક અગ્રણી મુકેશભાઇ પરમાર સહિત શરણાર્થી પરિવારોના સભ્યો ઉપસ્થિત રહયા હતા.