પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજિતનગર ખાતે ગુજરાત ફ્લોરો કેમિકલ કંપની (GFL)માં ગુરુવારે બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતા ઓછામાં ઓછા 3 કામદારોના મોત થયા હતા અને કેટલાંક કામદારો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં મોતની સંખ્યામાં વધારો થવાની ધારણા છે. ઘટનાની જાણ થતાં હાલોલ, કાલોલ, ગોધરા તેમજ ખાનગી કંપનીના ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. ઘટનાસ્થળે પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઈ હતી.

કંપનીના GPP 1 પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ છ એમ્બ્યૂલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. જેમા તમામ ઘાયલોને હાલોલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. વિસ્ફોટ બાદ નજીકની સ્કૂલને ખાલી કરાવવામાં આવી હતા
બ્લાસ્ટના ધડાકા 10 કિમી દૂર સુધી સંભળાયા હતા. 5 કિ.મી. સુધીના વિસ્તારમાં વાહન-વ્યવહાર અને સામાન્ય લોકોની અવર-જવર બંધ કરી દેવાઈ હતી. સેફ્ટી કીટ પહેરીને ટીમો કંપનીની અંદર પ્રવેશી હતી અને તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, આ કંપનીમાં બે બોઇલર ફાટ્યા હોવાની શક્યતા છે.