Death sentence to the accused in Surat girl rape-murder case
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

સુરત જિલ્લાની સેશન કોર્ટે ગુરુવારે દસ વર્ષની બાળકીના રેપ અને હત્યાના ગુનેગારને ફાંસીને સજા ફટકારી છે. દિનેશ બૈસાણે નામનો ગુનેગારે વડાપાંઉ ખવડાવવાની લાલચ આપીને બાળકી પર રેપ કર્યો હતો અને પછી પકડાઈ જવાના ભયે તેની હત્યા કરી હતી. ગયા સપ્તાહમાં આ આરોપીને કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. સરકાર પક્ષે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર ગણાવી તેને મોતની સજા આપવાની માગ કરવામાં આવી હતી. આરોપીના ફોનમાંથી પણ તપાસ દરમિયાન અશ્લીલ વિડીયો મળી આવ્યા હતા, જેની પણ કોર્ટે ગંભીર નોંધ લીધી હતી. આરોપીી દિનેશ બૈસાણે 27 વર્ષની વયનો છે. તેણે 7 ડિસેમ્બર 2020ના રોજ બાળકીનો રેપ કરીને તેના માથામાં ઈંટ મારી તેની હત્યા નીપજાવી હતી.

સેકન્ડ એડિશનલ સેશન્સ જજ અને પોક્સો સ્પેશિયલ જજ એન.એ. અંજારિયાની કોર્ટે દિનેશ બૈસાણેને ફાંસીની સજા સંભળાવી હતી. કોર્ટે 10 દિવસમાં જ 32 સાક્ષીઓને તપાસીને ઝડપથી ટ્રાયલ પૂરી કરી હતી. આ કેસમાં કોર્ટમાં પોલીસ દ્વારા 232 પાનાંની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. પોલીસે આ કાર્યવાહી ક્રાઈમ થયાના 15 દિવસમાં પૂર્ણ કરી હતી. જેમાં 69 સાક્ષી અને પુરાવાની નોંધ લેવામાં આવી હતી. પુરાવામાં પીડિતા અને આરોપીના ડીએનએ પ્રોફાઈલિંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, એક સીસીટીવી વિડીયો પણ કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો, જેમાં દિનેશ બાળકીને લઈ જતો દેખાતો હતો.

કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા સાયન્ટિફિક પુરાવામાં પીડિતાના કપડાં પરથી મળેલા લોહીના ડાઘ, આરોપીના શરીર પર બચકું ભર્યાનું તેમજ નખ માર્યાના નિશાનનો સમાવેશ થાય છે. આ કેસમાં એક રિક્ષાવાળો તેમજ વડાપાંવની દુકાન પર કામ કરતા વ્યક્તિ મહત્વના સાક્ષી હતા. બંનેએ આરોપીને ઓળખી બતાવ્યો હતો.