Paravatiben Funeral Kalpesh Solanki

માતુશ્રી શ્રીમતી પાર્વતીબેન સોલંકીને અંતિમ ક્રિયા વખતે અશ્રુભીની આંખે અંજલિ આપતાં ગરવી ગુજરાત અને એશિયન મિડીયા ગૃપના ગૃપ મેનેજીંગ એડિટર શ્રી કલ્પેશભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે ‘’મેં પહેલો શ્વાસ લીધો ત્યારથી હું મારી સુંદર માતાના આલિંગનમાં રહ્યો છું. અને ત્યારથી મેં તે આલિંગનનો અનુભવ કર્યો છે. તેમની દુનિયા તેમના બાળકો અને મારા પિતા રમણીકલાલ સોલંકીની આસપાસ ફરતી. તેઓ એકબીજાની શક્તિઓને પોષતા અને દરેક સાથે સંપૂર્ણ રીતે મેળ ખાતા હતા. તેઓ દિવસની દરેક ક્ષણ સાથે વિતાવતા, ઓફિસે આવતા અને ઘરે પરત થતા, સાથે કામ કરતા અને પરિવારનો ઉછેર કરતા. તેઓ આદર્શ દંપતી અને આદર્શ માતાપિતા હતા. તેઓ અવિભાજ્ય હતા. અને હવે તેઓ ફરી એકવાર સાથે થઈ ગયા છે અને શાંતિથી અમને નીચે જોઈ રહ્યા છે.’’

‘’પપ્પાએ પોતાની કલમના જોરે ‘ગરવી ગુજરાત’ સાપ્તાહિકનું નિર્માણ કર્યું હતું. તેમનો દરેક શબ્દ, વાક્યનો મહત્વપૂર્ણ ભાગ રહેતો અને વાચકને માહિતગાર કરતા. તેઓ લોકોને સાથે લાવ્યા હતા અને તેમને જ્ઞાન દ્વારા શક્તિ આપી હતી. મમ્મી એમની જબરદસ્ત તાકાત હતા જે બિઝનેસ અને અમારા પરિવારના કેન્દ્રમાં હતા. મમ્મી એક શક્તિ હતા અને મારા પિતાને સક્ષમ બનાવ્યા હતા. જેમ કે  પૂ. માધવ પ્રિયદાસ સ્વામીએ તેમના સંદેશમાં કહ્યું છે તેમ ભગવાન પણ શક્તિ વિના કાર્ય કરી શકતા નથી.’’

સંસ્કૃતમાં પાર્વતીને ભગવાન શિવની ઊર્જા કહ્યાં છે જેઓ તમામ જીવોને જોડે છે. પાર્વતી એ પ્રેમ, સુંદરતા, શુદ્ધતા અને ભક્તિના દેવી છે. મારી માતાએ તેમના નામ પાર્વતી મુજબના તમામ લક્ષણોને મૂર્તિમંત કર્યા હતા. તેમની પાસે અપાર શક્તિ અને નિશ્ચય હતો. તેમના ગામ નાની પેથાણના એકમાત્ર છોકરી હતા જેઓ હાઈસ્કૂલમાં ગયા હતા.

તેમની ઇચ્છાને પગલે લંડન આવવા 1964માં મારા પિતા માટે વર્ક પરમિટ કરાઇ ત્યારે તેમણે ખાતરી કરી હતી કે તેમનું દરેક બાળક શિક્ષિત બને. મારી માતાએ જ પરિવારના તમામ મોટા નિર્ણયો લીધા હતા અને માત્ર થોડી જગ્યાની જરૂર હોવા છતાં સેન્ટ્રલ લંડનમાં 16,000 ચોરસ ફૂટની ઇમારત ખરીદી હતી. તેઓ દેશના વડા પ્રધાનો, રાજકારણીઓ, મૂવી સ્ટાર્સ અને ગાયકોને મળ્યા હતા પરંતુ ક્યારેય મૂંઝાયા કે અભિભૂત થયા નહતા. તેમના બાળકો અને પૌત્રો આસપાસ હોય ત્યારે તેઓ સૌથી વધુ ખુશ રહેતા. અમે તેમના વિશ્વના કેન્દ્રમાં છીએ અને તેઓ અમારા વિશ્વના કેન્દ્રમાં હતા.

દરરોજ સવારે હું જય શ્રી કૃષ્ણ સાથે તેમનું અભિવાદન કરી, ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ મેળવતો. અમે સાથે ચા, લંચ અને ડિનર કરતા. મારી સાંજ તેમના ગાલ પર એક મીઠા ચુંબન સાથે પૂરી થતી અને તેમને સવારે ફરીથી મળતા. તેઓ ઘણી વખત મારા ડેસ્ક પાસે બેસીને બિઝનેસ, કુટુંબ, સખાવત, વિશ્વના મુદ્દાઓ બાબતે વાતો કરતા. તેઓ પ્રામાણિકતા, આનંદ, હાસ્ય અને પ્રેમ ધરાવતા સર્વોચ્ચ વ્યક્તિ હતા.

મારા કપરા સમયે હાથ પકડીને મને ખાતરી આપતા કે ભગવાન એક હાથે લે છે અને બીજા હાથે આપે છે. તેમણે જ મને કહ્યું હતું કે જે યોગ્ય અને ન્યાયી હશે તે કરીશ તો તે મને સફળતા તરફ દોરી જશે.

છેલ્લા 15 વર્ષથી અમે 3 મહિના ડિસેમ્બરમાં અમદાવાદ સાથે જતા. અમે ઘણી હોલીડેઝ સાથે કરી હતી. તેઓ હંમેશા ચિંતા કરતા કે તેઓ અને પપ્પા અમારી સાથે હોલીડે પર આવશે તો તેઓ બોજ બની જશે. તેમને જે તે સ્થળનો ઇતિહાસ શીખવામાં મજા આવતી. શ્રીલંકામાં તેઓ અશોક વાટિકાની મુલાકાત લેવા ઉત્સુક હતા. પણ દિવસોની શોધ બાદ પણ કોઈ ફાયદો થયો નહતો. પરંતુ તેમના જન્મદિવસે અચાનક જ દૈવી માર્ગદર્શક જાણે કે અમને તે સ્થળે લઇ ગયા હતા અને પૂજારીઓના આશીર્વાદ મળ્યા ત્યારે હું તેમની ખુશી જોઈ શકતો હતો.

તેમના 86 વર્ષના જીવનને થોડાક શબ્દોમાં દર્શાવવું અશક્ય છે. તેમનું જીવન સાહસ, બલિદાન, મિત્રતા અને પ્રેમથી ભરેલું હતું. બે વર્ષ પહેલાં મારા પિતાને ગુમાવ્યા ત્યારે હું હતાશ થઈ ગયો હતો અને હૃદય તૂટી ગયું હતું. પણ મેં મારું ધ્યાન મારી માતા તરફ ફેરવ્યું હતું. તેઓ મારા વિશ્વનું સંપૂર્ણ કેન્દ્ર બની ગયા હતા. અમે અમારી ખોટ એકસાથે વહેંચી હતી. અમે પપ્પા સાથેની મહાન યાદોની અવિરતપણે તાજી કરતા. આજે હવે ફરી એકવાર હું છેલ્લી વિધિ માટે તમારી સમક્ષ ઉભો છું, હું હતાશ છું, હૃદય તૂટી ગયુ છે અને સંપૂર્ણ ખોટ અનુભવું છું. હું જાણું છું કે તે કામચલાઉ છે અને સમય મને તેનો સામનો કરવામાં મદદ કરશે અને તેમના જીવનને ઉજવવાનો સમય આવશે.

હું જાણતો હતો કે માતાના નિધનની ક્ષણ એક દિવસે તો આવશે જ પરંતુ આપણને માતા ગુમાવવાની તીવ્ર પીડા અને લાચારી માટે કોઇ તૈયાર કરી શકતું નથી. આવી મહાન માતા દ્વારા ઉછેરવામાં આવ્યો અને મારા પિતાના સ્વરૂપે એક મહાન માર્ગદર્શક મળ્યા તે બદલ હું હંમેશ માટે તેમનો આભારી રહીશ. હું હંમેશા માતા માટે ઊંડો અને અપાર પ્રેમ રાખીશ. આ અમારી અંતિમ વિદાય નથી કારણ કે હું જાણું છું કે અમે ફરી એકવાર મળીશું. જય શ્રી કૃષ્ણ.’’

LEAVE A REPLY

4 × one =