યુકે અને કોવિડ-19 રોગચાળામાંથી સાજા થઇ રહેલા દેશમાં મૂળભૂત પરિવર્તન હેઠળ આવતા હેલ્થ એન્ડ સોશ્યલ કેર લેન્ડસ્કેપમાં દેશની કોમ્યુનિટી ફાર્મસી મુખ્ય ભૂમિકા ભજવશે. જો કે, જરૂરી સેવાઓના ઉચ્ચ માપદંડો અને દર્દીઓની વધતી માંગ સાથે મેળ ખાવા માટે, ફાર્મસીઓએ એકીકરણ અને નવીનતમ પ્રક્રિયાઓ વધારવાની જરૂર પડશે, એમ 21 સપ્ટેમ્બરને મંગળવારે અને તે પછી 23ને ગુરૂવારે ઓનલાઇન યોજાયેલી છઠ્ઠી એન્યુઅલ ફાર્મસી બિઝનેસ કોન્ફરન્સમાં મહેમાનો અને પેનલિસ્ટોએ જણાવ્યું હતું.

બે સાંજ સુધી વિસ્તરેલી આ કોન્ફરન્સની અધ્યક્ષતા ફાર્મસી કમ્પ્લીટ એસોસિયેટ ડિરેક્ટર માઈકલ હોલ્ડન દ્વારા કરવામાં આવી હતી અને ઇન્ટરનેશનલ ફાર્માસ્યુટિકલ ફેડરેશન (એફઆઈપી)ના મુખ્ય કાર્યકારી અધિકારી ડૉ. કેથરિન ડગ્ગન, એનએચએસ ઈંગ્લેન્ડ અને એનએચએસ ઈમ્પ્રૂવમેન્ટ માટે પ્રાયમરી કેરના મેડિકલ ડાયરેક્ટર ડૉ. નિકિતા કાનાણી, એનએચએસ ઇંગ્લેન્ડ અને એનએચએસ ઇમ્પ્રૂવમેન્ટમાં ફાર્મસી ઇન્ટિગ્રેશનના વડા એન જોશુઆ અને હેપ્પીનેસ એન્ડ ટેકનોલોજી હેલ્થ ડિસ્પેન્સરીના ડિરેક્ટર અલી સ્પાર્કસે સંબોધન કર્યું હતું.

આ કોન્ફરન્સના અન્ય વક્તાઓમાં ફાર્માસ્યુટિકલ સર્વિસીસ નેગોશિએટિંગ કમિટી (PSNC) ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સાયમન ડ્યુક્સ, એલાયન્સ હેલ્થકેર યુકેના મેનેજિંગ ડિરેક્ટર જુલિયન માઉન્ટ, ન્યુમાર્કના મેનેજિંગ ડિરેક્ટર જેરેમી મીડર, મેકકેસન યુકેના સેલ્સ એન્ડ ઓપરેશન ડિરેક્ટર એશલી કોવેનનો સમાવેશ થાય છે.

સુશ્રી જોશુઆએ જણાવ્યું હતું કે ‘’યુકેમાં ઇન્ટિગ્રેટેડ કેર સિસ્ટમ્સ (ICS)ની રજૂઆત સાથે, કોમ્યુનિટિ ફાર્મસી પરિવર્તનના કેન્દ્રમાં રહેશે. ક્લિનિકલ લીડરશીપ મૂળભૂત છે, સમગ્ર ICSમાં મલ્ટીડીસીપ્લીનરી ટીમ અને કોમ્યુનિટિ ફાર્મસી પ્રોફેશનલ્સે આમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. રોગચાળા દરમિયાન કરવામાં આવેલા કામથી સાબિત થયું છે કે ICSની અંદર અન્ય પ્રોફેશનલ્સ સાથે કામ કરતી કોમ્યુનિટી ફાર્મસી સ્થાનિક સમુદાયોને મજબૂત અવાજ આપી શકે છે.’’

નવી સિસ્ટમ હેઠળ, ઇંગ્લેન્ડનો દરેક ભાગ એપ્રિલ 2022થી ICS દ્વારા આવરી લેવામાં આવશે. ઇંગ્લેન્ડમાં હેલ્થ કેર સેવાઓ જે રીતે આયોજન, ચૂકવણી અને વિતરણ કરે છે તેમાં મોટા ફેરફારો લાવવા માટે ICSને બનાવવામાં આવ્યું છે. NHSની લાંબા ગાળાની યોજનામાં દર્શાવ્યા મુજબ તેઓ NHS માટે મુસાફરીની દિશાનો મુખ્ય ભાગ છે.

2023 સુધીમાં તેઓ ભૌગોલિક વિસ્તારની સ્થાનિક વસ્તીની જરૂરિયાતોને પહોંચી વળવા હેલ્થ એન્ડ કેર સેવાઓની યોજના બનાવવા માટે NHS સર્વિસના પ્રોવાઇડર્સ અને કમિશનરોને સાથે લાવશે.

કોવિડ રસીકરણ અભિયાનમાં કોમ્યુનિટી ફાર્મસીના મહત્વને સ્વીકારતા ડૉ. કાનાણીએ જણાવ્યું હતું કે ‘’ફાર્મસીઓ અને તેમની ટીમો દ્વારા કરવામાં આવેલા અવિશ્વસનીય કાર્યથી કોવિડ-19ના કારણે હોસ્પિટલમાં દાખલ થતા 143,600 લોકોને, 24 મિલિયન લોકોને ચેપ લાગતા અને 110,000થી વધુ મૃત્યુ ટાળવામાં મદદ મળી છે. તમે (કોમ્યુનિટી ફાર્મસી) માત્ર આ કાર્યક્રમ જ પાર નથી પાડ્યો, તમે ખાતરી કરી છે કે અમારા સૌથી વધુ વૈવિધ્યસભર સમુદાયોને રસી મળી રહે. જ્યારે ફાર્મસી અને આરોગ્ય પ્રણાલીની માંગણીઓ અતિ નોંધપાત્ર હતી ત્યારે તમે આ કમાગીરી પાર પાડી હતી. ફાર્મસીના સંદર્ભમાં એકીકરણનો અર્થ આ જ છે.”

તા. 23ને ગુરૂવારે પેનલ ચર્ચા દરમિયાન બોલતા, PSNCના સીઇઓ સાયમન ડ્યુક્સે કહ્યું હતું કે ‘’ભવિષ્યમાં નાની ફાર્મસીઓ પણ મહત્વની ભૂમિકા ભજવશે કારણ કે તેઓ સેવાઓની વિશાળ શ્રેણી આપવા જઈ રહી છે જેની માત્ર દર્દીઓને જ નહીં, પણ એનએચએસને પણ જરૂર છે. ન્યુ મેડિસીન સર્વિસ (NMS)ના વિસ્તરણ, કોમ્યુનિટી ફાર્મસી કન્સલ્ટેશન સર્વિસ (CPCS)ની રજૂઆત, ધુમ્રપાન બંધ કરવા અને હાયપરટેન્શન કેસો શોધવાની સેવાઓ સાથે, તેમના સમુદાયોમાં ફાર્મસીઓની ભૂમિકા નિર્ણાયક બની છે. અને તે કરવા માટે ફાર્મસીનું કદ પણ એક બિંદુ સુધી અપ્રસ્તુત છે.”

જો કે, આ ક્ષેત્ર માટે નવા લેન્ડસ્કેપને અનુરૂપ બનવું અને કાર્યબળ, ડિજિટલ ડેટા, ફાર્મસી સેવાઓનું એકીકરણ અને દવાઓના ઑપ્ટિમાઇઝેશન જેવા પડકારોનો સામનો કરવો મહત્વપૂર્ણ છે, એમ આ વક્તાઓએ જણાવ્યું હતું.

પીએસએનસીના કોન્ટ્રાક્ટર અને એલપીસી સપોર્ટના ડિરેક્ટર જેમ્સ વુડે જણાવ્યું હતું કે, “એક ક્ષેત્ર તરીકે આપણે સ્થાનિક સ્તરે અને તે ફેરફારો માટે રાષ્ટ્રીય સ્તરે તૈયાર રહેવાની જરૂર છે. અમને તે જરૂરિયાતોને પહોંચી વળવા માટે એક સેક્ટર તરીકે અમારી વ્યવસ્થા સુદ્રઢ કરવી પડશે.’’

ડ્યુક્સે ક્ષમતા નિર્માણ, ખર્ચ અને ભંડોળ મોડેલ જેવી ફાર્મસીઓ સામેના પડકારો પર પણ પ્રકાશ પાડ્યો હતો.

સરકારે વર્ષ 2021/22 માટે કોમ્યુનિટી ફાર્મસી કોન્ટ્રાક્ટ્યુઅલ ફ્રેમવર્ક (CPCF) માટેનું ભંડોળ £2.592 બિલિયન યથાવત રાખવાની ગયા મહિને જાહેરાત કરી હતી. સતત ત્રીજા વર્ષે સરકારે સમાન ફાળવણી રાખી હતી.

ટેક-સેવી ઇન્ડીપેન્ડન્ટ પ્રિસ્ક્રાઇબર અને હોજસન ફાર્મસીના માલિક અમિષ પટેલે જણાવ્યું હતું કે ‘’નવીનીકરણ અને ટેકનોલોજીનો ઉપયોગ ફાર્મસીઓ માટે આવક વધારવા અને સેવાઓમાં કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. તે ફાર્મસીઓ માટે નવી સેવાઓ આપવાનું શરૂ કરવા માટે સમય અને સંસાધનોને પણ મંજૂરી આપશે.’’