પાર્ટીગેટ અને અન્ય કૌભાંડોના પરિણામે કન્ઝર્વેટીવ પાર્ટીમાં વડા પ્રધાન બોરિસ જૉન્સનનું સમર્થન અને વર્ચસ્વ તૂટી રહ્યું છે ત્યારે મિનિસ્ટર્સ બેન વોલેસ, લિઝ ટ્રસ અને ઋષિ સુનક વડા પ્રધાન બનવાની રેસમાં ટોચ પર છે.

ચાન્સેલર ઋષિ સુનક 2021ના અંત સુધી મોટા પાયા પર લોકપ્રિય અને દાવેદાર મિનિસ્ટર હતા. પરંતુ 2022માં ડાઉનિંગ સ્ટ્રીટમાં રહેતી નોન-ડોમ કરદાતા પત્ની અને સુનકના ખુદના યુએસ ગ્રીન કાર્ડ અંગે પ્રશ્નો ઉભા થતા તેમના દાવાને આંચ આવી હતી અને લોકપ્રિયતા સતત ઘટતી ગઇ હતી.

હાલમાં ફ્રન્ટ-રનર્સમાં ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસ અને તેમના એક પુરોગામી, જેરેમી હન્ટ છે. જો કે બન્ને તેમની ઇચ્છા વિશે થોડી ગુપ્તતા રાખે છે. અન્ય ઉમેદવારોમાં ડીફેન્સ સેક્રેટરી બેન વોલેસનો સમાવેશ થાય છે જેઓ યુક્રેન યુદ્ધ અંગેની તેમની કઠિન સ્થિતિને કારણે ગ્રાસરૂટ ટોરીઝમાં ખૂબ જ લોકપ્રિય છે.

અન્ય દાવેદારોમાં ટ્રેડ મિનિસ્ટર, રોયલ નેવી રિઝર્વિસ્ટ અને 2019માં જેરેમી હંટને સમર્થન આપનાર પેની મોરડન્ટનો સમાવેશ થાય છે.  બાળ શરણાર્થી તરીકે યુકે આવેલા અને સંસદના સૌથી ધનાઢ્ય સભ્યોમાંના એક નદીમ ઝહાવી પણ રેસમાં છે. તેમણે પોલિંગ કંપની YouGovની સ્થાપના કરી હતી.

કેબિનેટ બહારના લોકોમાં બ્રિટિશ આર્મીના ભૂતપૂર્વ અધિકારી, ઇરાક અને અફઘાનિસ્તાનમાં યુધ્ધ લડવા ગયેલા અને વિદેશી બાબતોની સમિતિના અધ્યક્ષ ટોમ ટુગેન્ધાટ પણ રેસમાં છે. તો ભૂતપૂર્વ ચિફ વ્હીપ માર્ક હાર્પરનો પણ તે રેસમાં સમાવેશ થઈ શકે છે.

46 વર્ષીય પૂર્વ ફોરેન સેક્રેટરી જેરેમી હન્ટ થેરેસા મેના રાજીનામા બાદ 2019ની નેતૃત્વની ચૂંટણીમાં બોરિસ જૉન્સન સામે ભારે મતથી હારી ગયા હતા.