અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મોટા વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપવામાં આવી હતી. ૩૦ ડિસેમ્બરે અયોધ્યામાં નવું એરપોર્ટ, પુનઃનિર્મિત રેલવે સ્ટેશન સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું વડાપ્રધાન મોદીએ ઉદ્ધાટન કર્યું હતું. તેમણે બે નવી અમૃત ભારત અને છ નવી વંદે ભારત ટ્રેન્સને પણ લીલી ઝંડી બતાવી હતી. આ અવસરે વડાપ્રધાન મોદીએ અયોધ્યામાં લાંબો રોડ શો પણ કર્યો હતો. અયોધ્યાના એરપોર્ટનું નામ ‘રામાયણ’ ગ્રંથના રચયિતા સંત વાલ્મિકીના નામ પરથી ‘મહાઋષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટ’ રાખવામાં આવ્યું છે.

વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન મોદીએ અયોધ્યામાં નાગરિક સુવિધાઓને સુદ્રઢ બનાવવા તેમજ વિશ્વસ્તરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા રૂ.૧૧,૧૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા હતા. જ્યારે ઉત્તર પ્રદેશના અન્ય ભાગો માટે રૂ.૪,૬૦૦ કરોડના પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કર્યું હતું. મોદીનું વિઝન અયોધ્યામાં આધુનિક, વિશ્વસ્તરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનું, કનેક્ટિવિટી સુધારવાનું તેમજ નાગરિક સુવિધાઓમાં સુધારો કરવાનું છે. જેથી ભગવાન રામનો જ્યાં જન્મ થયો હતો એ નગરીનો સમૃદ્ધ ઇતિહાસ અને વારસો જળવાઈ રહે.” નિવેદનમાં જણાવ્યા અનુસાર “વિઝનને વાસ્તવિકતામાં ફેરવવા શહેરમાં નવા એરપોર્ટ, નવેસરથી તૈયાર કરાયેલા રેલવે સ્ટેશન, ફરી બનાવાયેલા પહોળા અને સુંદર રસ્તાનું ઉદઘાટન કર્યું હતું. આ ઉપરાંત, ઘણા નવા પ્રોજેક્ટ્સનું ભૂમિ પૂજન કર્યું હતું, જે અયોધ્યા અને આસપાસની નાગરિક સુવિધાઓને વધુ સારી બનાવવામાં યોગદાન આપશે.”
અયોધ્યાના આધુનિક એરપોર્ટનો પ્રથમ તબક્કો રૂ.૧,૪૫૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે. તેના ટર્મિનલ બિલ્ડિંગનો વિસ્તાર ૬,૫૦૦ ચોરસ મીટર રહેશે અને તેની વાર્ષિક ક્ષમતા લગભગ ૧૦ લાખ પેસેન્જર્સની હશે. અયોધ્યાના રેલવે સ્ટેશન ‘અયોધ્યા ધામ જંક્શન’નો પ્રથમ તબક્કો રૂ.૨૪૦ કરોડના ખર્ચે તૈયાર કરાયો છે. ત્રણ માળની ઇમારતમાં લિફ્ટ, એસ્કેલેટર્સ, ફૂડ કોર્ટ સહિતની તમામ આધુનિક સુવિધા છે.

LEAVE A REPLY

eighteen + eight =