હૈદરાબાદ આઝાદ એન્જિનિયરિંગ લિમિટેડના શેરનું ગત સપ્તાહે નોંધપાત્ર પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થયું જેને કારણે મહાન ક્રિકેટર સચિન તેંદુલકરે માત્ર નવ મહિનાના ગાળામાં આ કંપનીમાં રોકાણ પર 531 ટકાનું જંગી વળતર મળ્યું હતું. આઈપીઓ મારફતે રૂ. 26.5 કરોડના નોશનલ પ્રોફિટ સાથે તેંદુલકરે જંગી કમાણી કરી હતી. તાજેતરમાં આઈપીએલના ઓક્શનમાં ઓસ્ટ્રેલિયાના સ્ટાર બોલર મિચેલ સ્ટાર્ક રૂ. 24.75 કરોડના ડીલ સાથે સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો, જેના કરતાં પણ સચિનની કમાણી વધુ હતી. આ વર્ષે 6 માર્ચે સચિને આઝાદ એન્જિનિયરિંગમાં રૂ. 5 કરોડનું રોકાણ કર્યું હતું. આઝાદ એન્જિનિયરિંગ પ્રીસિશન ફોર્જ્ડ અને મશીન્ડ કમ્પોનન્ટ્સ બનાવે છે અને એનર્જી, એરોસ્પેસ, ડિફેન્સ અને ઓઈલ-ગેસ સેક્ટરની ભારત અને વિશ્વની અનેક કંપનીઓને સપ્લાય કરે છે.

કંપનીએ આઈપીઓ અગાઉ સ્ટોક સ્પ્લિટ કર્યા અને બોનસ શેર આપ્યા હતા જેને પગલે ઈશ્યૂના સમયે સચિન પાસે 4,38,210 શેર હતા. સચિનની સરેરાશ ખરીદી શેરદીઠ રૂ. 114.1 હતી. આઝાદનો ઈશ્યૂ રૂ. 740 કરોડનો હતો. ઈશ્યૂ પ્રાઈસ શેરદીઠ રૂ. 524 રાખવામાં આવી હતી, છતાં સચિનના પેટનું પાણી ન હલ્યું અને તેણે શેર ન વેચવાનો નિર્ણય કર્યો.
આઝાદ એન્જિનિયરિંગના શેરનું ગુરુવારે 37 ટકા પ્રીમિયમથી લિસ્ટિંગ થયું. આ સાથે સચિનનું રૂ. 5 કરોડનું રોકાણ વધીને રૂ. 31 કરોડ થઈ ગયું હતું.
આઝાદના આઈપીઓથી માત્ર સચિન તેંદુલકરને જ કમાણી થઇ હતી એવું નથી. પી.વી. સિંધુ, સાઈના નેહવાલ અને વીવીએસ લક્ષ્મણ જેવા સ્પોર્ટસ સ્ટારનું પણ તેમાં હોલ્ડિંગ છે અને તેમને પણ મોટી કમાણી થઈ હતી. આ દરેક ખેલાડીએ કંપનીમાં રૂ. 1-1 કરોડનું રોકાણ કર્યું હતું, જે સચિનના ખરીદી ભાવ કરતાં ડબલ ભાવે થયું હતું. આ ખેલાડીઓની ખરીદી શેરદીઠ રૂ. 228.17ના ભાવે હતી. જોકે તેમ છતાં તેમને પણ 210 ટકા જેવું તગડું વળતર મળ્યું હતું. તેમના કુલ હિસ્સાનું મૂલ્ય રૂ. 3 કરોડથી વધારે થયું હતું.

LEAVE A REPLY

fifteen − six =