ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (ફાઇલ ફોટો ) (Photo by CHANDAN KHANNA/AFP via Getty Images)

અરામ્કો ડીલ રદ થતાં રિલાયન્સના બજારમૂલ્યમાં એક દિવસમાં આશરે નવ બિલિયન ડોલર અથવા રૂ.66,000 કરોડનું ધોવાણ થયું હતું. સોમવાર, 21 નવેમ્બરે કંપનીનો શેર આશરે ચાર ટકા તૂટ્યો હતો. મંગળવારે પણ શેરબજારમાં ટ્રેડિંગના પ્રારંભમાં રિલાયન્સે શેર બે ટકા તૂટ્યો હતો. બીએસઈ પર કંપનીનો શેર 4.22 ટકાના ઘટાડા સાથે રૂ. 2,368.20 બંધ આવ્યો હતો.

ભારતના શેરબજારના ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં રિલાયન્સ હેવીવેઇટ શેર હોવાથી તેની અસર સમગ્ર શેરબજારને થઈ હતી. સોમવારે ભારતના બીએસઇના સેન્સેક્સમાં 1,170 પોઇન્ટ્સ અથવા 1.96 ટકાનો કડાકો બોલાયો હતો. સેન્સેક્સ 58,465.89 પોઇન્ટે બંધ આવ્યો હતો, જ્યારે એનએસઇનો નિફ્ટી 348.25 પોઇન્ટ્સ અથવા 1.96 ટકા ગબડીને 17,416.55એ બંધ આવ્યો હતો.

અરામ્કો ડીલ રદ કરવાની જાહેરાત કરતાં શુક્રવારે રિલાયન્સે જણાવ્યું હતું કે મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આશરે 15 બિલિયન ડોલરમાં સાઉદી અરામ્કોને તેના ઓઇલ રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ બિઝનેસનો 20 ટકા હિસ્સો વેચવાની યોજનાને અભરાઈએ ચડાવી દીધી છે. કંપનીએ આ હાઇપ્રોફાઇલ સોદાને મોકૂફ રાખવા માટે પુનઃમૂલ્યાંકનનું કારણ આપ્યું છે.

રિલાયન્સે જણાવ્યું હતું કે “રિલાયન્સના બિઝનેસ પોર્ટફોલિયોમાં ઊભરતા બદલાવને કારણે રિલાયન્સ અને સાઉદી અરામ્કોએ પરસ્પર સંમતી નક્કી કર્યું છે કે બદલાયેલા પરિપ્રેક્ષ્યમાં O2C બિઝનેસમાં સૂચિત રોકાણનું પુનઃમૂલ્યાંકન કરવાનું બંને પક્ષો માટે લાભકારક છે”. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે તે ભારતના ખાનગી ક્ષેત્રમાં રોકાણ માટે સાઉદી અરામ્કોની પસંદગીની ભાગીદાર બની રહેશે.