ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, ફર્સ્ટ લેડી સવિતા કોવિંદ અને તેમનાં પુત્રી સ્વાતિ કોવિંદ 28 નવેમ્બરે ઋષિકેશમાં પરમાર્થ નિકેતન આશ્રમની મુલાકાત લીધી હતી. જ્યાં આ તમામ મહાનુભાવોનું આશ્રમના અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતીજીએ પરંપરા મુજબ સ્વાગત કર્યું હતું.

ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, ફર્સ્ટ લેડી સવિતા કોવિંદ અને તેમનાં પુત્રી સ્વાતિ કોવિંદ 28 નવેમ્બરે ઋષિકેશમાં પરમાર્થ નિકેતન આશ્રમની મુલાકાત લીધી હતી. જ્યાં આ તમામ મહાનુભાવોનું આશ્રમના અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતીજીએ પરંપરા મુજબ સ્વાગત કર્યું હતું. આશ્રમના ઋષિકુમારોએ શંખ વગાડીને અને પુષ્પ વર્ષાથી સહુનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિએ રાજ્યની તેમની બે દિવસીય મુલાકાતનો પ્રારંભ આ આશ્રમથી કર્યો હતો. જ્યાં તેમણે ગંગા કિનારે વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર ગંગા આરતીમાં ભાગ લીધો હતો.

આ જાણીતા આશ્રમની મુલાકાત લેનાર તેઓ ભારતના બીજા રાષ્ટ્રપતિ છે, અગાઉ વર્ષ 1953-54માં દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદજીએ આશ્રમની મુલાકાત લીધી હતી.

સાંજે તેઓ પૂજ્ય સ્વામીજી અને પૂજ્ય સાધ્વી ભગવતીજી સાથે મા ગંગાના પવિત્ર કિનારે પરમાર્થ નિકેતન ઘાટ ખાતે પહોંચ્યા હતા અને મા ગંગાના પવિત્ર જળને અર્પણ કર્યુ હતું અને વિશ્વ શાંતિ અને આરોગ્ય માટે સમર્પિત યજ્ઞ વિધીની પૂર્ણાહુતિ કરી હતી.

આ દરમિયાન તેમણે પવિત્ર મંત્રોચ્ચાર, ભજન અને સંકિર્તનનું શ્રવણ કરીને આ વિશેષ સમારંભના મધુર અને દિવ્ય વાતાવરણને માણ્યું હતું. ત્યારબાદ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતીજી અને પૂજ્ય સાધ્વી ભગવતી સરસ્વતીજી દ્વારા તેમનું આશ્રમમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાધ્વી ભગવતીજીએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, માનનીય રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદજીનું ભારતનું અદભૂત નેતૃત્વ ખરેખર ઐતિહાસિક છે. તેઓ એક એવા દૂરંદેશી વ્યક્તિત્વનો, જીવનકાર્ય અને પ્રતિબદ્ધતાનો પુરાવો છે, જેણે તેમની યુવાનીમાં, સ્કૂલે પહોંચવા માટે 8 કિલોમીટર ચાલવું પડ્યું હતું. તે સમર્પિત યુવાનનો ઉછેર દરેક વંશ, ધર્મ, રંગ અને જાતિના લોકોને ન્યાય અપાવવા માટે, સમાનતા અને અખંડિતતાના મશાલચી તરીકે સેવા આપવા થયો. તેમનું નેતૃત્વ- સુપ્રીમ કોર્ટના વકીલ તરીકે, બિહારના રાજ્યપાલ તરીકે અને ભારતના રાષ્ટ્રપતિ તરીકે – સર્વે લોકોના હિત અને સર્વેના કલ્યાણ માટેના સમર્પણમાં મૂળ છે. અને એ જ સૂત્ર, મંત્ર અને મિશન અહીં પરમાર્થ નિકેતનમાં પણ છે.’

આ પ્રસંગે આશ્રમના અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામિ ચિદાનંદ સરસ્વતીજી-મુનિજીએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં રાષ્ટ્રપતિ કોવિંદની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, તેમની અતુલ્ય જીવન યાત્રા, રાષ્ટ્ર સેવા પ્રત્યેની કટિબદ્ધતા અને તેમનું નેતૃત્ત્વ શ્રેષ્ઠ છે. તેમણે તેમની સાથેની અગાઉની મુલાકાતોના સંસ્મરણો પણ વાગોળ્યા હતા.

તેમણે આપણી પવિત્ર નદીઓને પ્રદૂષણ, અતિશય શોષણ અને નિષ્કર્ષણથી મુક્ત રાખવા માટે માનનીય રાષ્ટ્રપતિની ખૂબ જ રસ અને પ્રતિબદ્ધતા વિશે પણ શેર કર્યું.

મુનિજીએ પવિત્ર નદીઓને પ્રદૂષણ, અતિશય દુરુપયોગ અને નિષ્કર્ષણથી મુક્ત રાખવા માટે રાષ્ટ્રપતિજીએ દાખેવલી ખૂબ જ રૂચિ અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી.

આ નિમિત્તે તેમણે પવિત્ર ગંગા નદીના સંરક્ષણ અને જાળવણી માટે સંકલ્પ પણ લીધો હતો અને તેના માટે સહુને પ્રોત્સાહન આપ્યું હતું. પૂ. સ્વામીજીએ તેમને રૂદ્રાક્ષનો છોડ અને ચંદનની માળા ભેટમાં આપી હતી.

રાષ્ટ્રપતિજીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, મોક્ષદાયિની ગંગાના કિનારે આવીને ખુદને અભિભૂત અનુભવું છું. આ ખરેખર હૃદયસ્પર્શી ક્ષણ છે. ગંગા અંગે જેટલું કહીએ તેટલું ઓછું છે. સૃષ્ટિના સર્જકે પોતાના હસ્તે વિશ્વનું કલ્યાણ કરવા માટે જ ગંગાને ભારતની ભૂમિ પર મોકલી છે. આપણે પણ ગંગા પ્રત્યે આપણી મર્યાદાઓનું પાલન કરવું પડશે. સ્વિત્ઝર્લેન્ડ જેવા સુંદર દેશમાં પણ લોકો ભારતીય સંસ્કૃતિ, અધ્યાત્મ અને શાંતિને યાદ કરે છે તે ગૌરવની વાત છે. તેમણે પૂ. મુનિજીના પર્યાવરણલક્ષી કાર્યોને બિરદાવ્યા હતા.