વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર, 10 ફેબ્રુઆરીએ ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ કુલ રૂ.2,993 કરોડના 1.3 લાખ મકાનોનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. . (PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર, 10 ફેબ્રુઆરીએ ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ કુલ રૂ.2,993 કરોડના 1.3 લાખ મકાનોનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. મકાનોના લાભાર્થીઓ રાજ્યની તમામ 182 વિધાનસભા મતવિસ્તારોના છે અને વડાપ્રધાન કેટલાંક લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી વાર્તાલાપ પણ કર્યો હતો.

આ અંગેના ‘વિકસિત ભારત વિકસિત ગુજરાત’ કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે “અયોધ્યામાં પ્રભુ રામને ઘર મળ્યું અને ગામડાઓમાં તમને બધાને ઘર મળ્યા. આજે જે પરિવારોને તેમના નવા મકાનો મળ્યા છે, તેવા તમામ પરિવારોને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.” સ્વતંત્રતાના શતાબ્દી વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના લક્ષ્ય પર ભાર મૂકતા મોદીએ કહ્યું હતું કે, “10 વર્ષમાં દેશના 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર નીકળી ગયા છે. દરેક પગલામાં સરકાર તેમની સાથે રહી અને તેઓએ સરકારી યોજનાઓનો લાભ ઉઠાવ્યો છે.

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના ડીસા ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ ગૃહ પ્રવેશ કરાવનાર લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે, સરકારનો પ્રયાસ છે કે દરેકને પોતાનું પાક્કું ઘર હોય. આજે ગુજરાતમાં સવા લાખ કરતાં વધારે પરિવારોને પોતાનું ઘર મળ્યું છે, જે બતાવે છે કે, મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી. આ વર્ષે કેન્દ્ર સરકારે બજેટમાં 2 કરોડ નવા ઘરો બનાવશે.

આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આજે રાજ્યના લાખો પરિવારોના ઘરે લાપસીના આંધણ મૂકાશે, તે ખુશીની વાત છે. લાખો પરિવારો પોતાનો ગૃહપ્રવેશ ઊજવી રહ્યા છે. આ એક ઐતિહાસિક ઘટનાના પ્રેરણાસ્રોત વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી, નવો ઇતિહાસ રચ્યો અને દેશને વિશ્વપ્રતિષ્ઠા પણ અપાવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ અને વંચિત લોકોની ચિંતા કરી છે અને સરકારી યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડીને રામરાજ્યની કલ્પનાને વર્તમાન યુગમાં પ્રસ્થાપિત કરી છે, એટલું જ નહિ તુલસીદાસજીની ‘નિર્બલ કે બલ રામ’ની ઉક્તિને સાકાર કરવાનું કામ કર્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.

LEAVE A REPLY

1 × 3 =