(Photo by Paul Grover - WPA Pool/Getty Images)

શાહી પરિવારમાં તણાવ હોવા છતાં કિંગ ચાર્લ્સ III ની ઓફિસ દ્વારા લંડનમાં વેસ્ટમિંસ્ટર એબી ખાતે તા. 6 મેના રોજ યોજાનારા નવા રાજાના રાજ્યાભિષેક વિશે પ્રિન્સ હેરીનો સંપર્ક કરાયો છે. જેને પગલે પ્રિન્સ હેરીએ ઐતિહાસિક સમારોહમાં હાજરી આપે તેવી શક્યતા ઊભી થઇ છે. જો કે તેઓ પધારે તેવી શક્યતાઓ ઓછી છે.

જો પ્રિન્સ હેરી અને તેની પત્ની મેગન રાજ્યાભિષેકમાં હાજરી આપશે તો બેસ્ટ સેલિંગ પુસ્તક “સ્પેર”ના પ્રકાશન પછીની કિંગ ચાર્લ્સની નાના પુત્ર સાથેની આ પ્રથમ મુલાકાત હશે. આ પુસ્તક દ્વારા પ્રિન્સ હેરીએ કેટલાક કૌટુંબિક રહસ્યો જાહેર કરીને હાઉસ ઓફ વિન્ડસરમાં વ્યાપેલા  અણબનાવને ઊંડો બનાવ્યો હતો.

ડ્યુક અને ડચેસ ઓફ સસેક્સ હેરી અને મેગનના પ્રવક્તાએ તા. 5ના રોજ પુષ્ટિ કરી હતી કે હેરીને રાજ્યાભિષેક વિશે રાજાના કાર્યાલયમાંથી ઇમેઇલ મળ્યો હતો અને ડ્યુક અને ડચેસની હાજરી વિષે આ સમયે જાહેરાત કરાશે નહીં.

આ અઠવાડિયે જ્યારે ડ્યુક ઓફ સસેક્સે સ્વીકાર્યું કે તેમને બ્રિટનમાં વિન્ડસર કાસલ સ્થિત ફ્રોગમોર કોટેજનું ઘર ખાલી કરવાનું કહેવાયું છે ત્યારે હેરી અને તેના પરિવાર વચ્ચેની તંગદિલી ફરી એકવાર જાહેરમાં છવાઈ ગઈ હતી. ધ સનના અહેવાલ મુજબ હેરીના સંસ્મરણો પ્રકાશિત થયાના બીજા દિવસે, 11 જાન્યુઆરીએ ચાર્લ્સે તેમને નિવાસ છોડી દેવા કહ્યું હતું.  સપ્ટેમ્બરમાં રાણી એલિઝાબેથ II ના અવસાન પછી રાજા બનેલા ચાર્લ્સ કાર્યકારી રોયલ્સની સંખ્યામાં ઘટાડો કરી શાહી પરિવાર પાછળ ખર્ચાતી રકમમાં ઘટાડાની યોજના ધરાવે છે અને 1,000 વર્ષ જૂની શાહી પરિવારની સંસ્થાને આધુનિક બનાવવા માંગે છે.

લેખક ડૉ. ગેબર મેટ સાથેની લાઇવ-સ્ટ્રીમ વાતચીતમાં શનિવારે ભાગ લેતા પ્રિન્સ હેરીએ ભૂતકાળના ડ્રગના ઉપયોગની ચર્ચા કરતાં કહ્યું હતું કે “સ્પેર”ની ટીકા કરી તેને ચૂપ કરી શકાશે નહીં. કારણ કે આ મુદ્દાઓ વિશે વાત કરવાથી તેને જીવનમાં આઘાતનો સામનો કરવામાં મદદ મળી છે.

LEAVE A REPLY

one × 4 =