(Photo by Andrew Parsons - Pool/Getty Images)

મિરર ગ્રુપ ન્યૂઝપેપર્સ માટે કામ કરતા પત્રકારો દ્વારા ફોન હેકિંગ સહિતની ગેરકાયદેસર માહિતી એકત્ર કરવાનો આરોપ અંગે 38 વર્ષીય ડ્યુક ઓફ સસેક્સ પ્રિન્સ હેરી મંગળવારે 100 વર્ષોના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત લંડન હાઈકોર્ટના ટ્રાયલમાં પુરાવા આપનાર પ્રથમ વરિષ્ઠ બ્રિટિશ રાજવી બન્યા હતા. પ્રિન્સ હેરીએ ટેબ્લોઇડ અખબારો પર આરોપ મૂક્યો છે કે તેઓ કિશોર વયના હતા ત્યારે તેમના વૉઇસમેઇલ હેક કરાયા હતા અને તેનાથી તેમને લાગ્યું હતું કે તેઓ “કોઈના પર વિશ્વાસ કરી શકતા નથી”. પ્રેસે પણ તેમને “ચીટ” અને “થિકો” તરીકે દર્શાવ્યા હતા.

એક વર્કિંગ રોયલ તરીકે ખસી જઇને પત્ની મેગન માર્કેલ અને બે બાળકો આર્ચી અને લિલિબેટ સાથે યુ.એસ.માં રહેતા હેરી હવે દાવો કર્યો છે કે મિરર ગ્રુપ ન્યૂઝપેપર્સ (MGN) દ્વારા ઉપયોગમાં લેવાયેલી ભ્રામક પદ્ધતિઓએ તેમના અંગત જીવન પર અસર કરી છે.

ડેઈલી મિરરના મિરર ગ્રૂપ ન્યૂઝપેપર્સ (MGN) સામે કોર્ટમાં પુરાવા આપી રહેલા પ્રિન્સ હેરીએ કહ્યું હતું કે ‘’જ્યારે હું ઇટન સ્કૂલમાં કિશોર અવસ્થામાં હતા ત્યારે ટેબ્લોઇડ્સે મારો વૉઇસમેઇલ હેક કર્યો હતો. હું સતત વૉઇસમેઇલ્સ છોડતો હતો. કારણ કે તે સમયે ટેક્સ્ટ મેસેજિંગ ખૂબ ઓછું સામાન્ય હતું. મારા વૉઇસમેઇલ્સમાં અવિશ્વસનીય રીતે ખાનગી અને સંવેદનશીલ માહિતી શામેલ હશે. પેપર્સની “અધમ” વર્તણૂકે તેને “ડાઉનવર્ડ સર્પિલ”માં મૂક્યો હતો. પત્રકારોએ ગેરકાયદેસર રીતે માહિતી એકઠી કરી હતી.’’, પરંતુ મિરરના વકીલે કહ્યું હતું કે હેરીને ફોન મળે તે પહેલા કેટલીક સ્ટોરીઝ પ્રકાશિત કરાઇ હતી. જ્યારે અન્ય પહેલાથી જ જાહેર ડોમેનમાં હતી. MGNએ હેરીના આરોપોને નકાર્યા હતા.

લેખિત નિવેદનમાં, પ્રિન્સ હેરીએ ટેબ્લોઇડ પ્રેસ પર રોયલ ફેમિલીના સભ્યોને ભૂમિકામાં કાસ્ટ કરવાનો અને “મારું વૈકલ્પિક અને વિકૃત સંસ્કરણ” બનાવવાનો આરોપ મૂક્યો હતો. અખબારોએ ‘પ્લેબોય પ્રિન્સ’, ‘નિષ્ફળતા’, ‘ડ્રોપ આઉટ’ અથવા મારા કિસ્સામાં, ‘થિકો’, ‘ચીટ’, અંડકએજ ડ્રિંકર, બેજવાબદાર ડ્રગ લેનાર’ તરીકે વર્ણન કરે છે.

ડ્યુક હેરીએ કહ્યું હતું કે ‘’હેકિંગથી મારી સુરક્ષાને ખતરો થવાની ચિંતા સાથે મારા સંબંધોને પણ નુકસાન થયું હતું. મને લાગ્યું હતું કે હું કોઈના પર વિશ્વાસ કરી શકતો નથી, જે ખાસ કરીને આટલી નાની ઉંમરે મારા માટે ભયાનક લાગણી હતી. ડેઈલી મિરરના ભૂતપૂર્વ એડિટર પિયર્સ મોર્ગન અને તેમના પત્રકારોના જૂથે મારી માતાના ખાનગી અને સંવેદનશીલ સંદેશાઓને સાંભળ્યા હતા જેનાથી મને “શારીરિક રીતે બીમાર” હોવાનો અનુભવ થયો હતો. પ્રેસ વારંવાર મારા સંબંધોને તોડવાનો પ્રયાસ કરે છે અને તેમનો “ટ્વિસ્ટેડ ઉદ્દેશ્ય” આજે પણ ચાલુ છે. પત્રકારોએ મારી ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ ચેલ્સી ડેવીની યુકેની ફ્લાઈટ્સ વિશે ગેરકાયદેસર રીતે માહિતી મેળવી હતી.’’

ડ્યુકે કહ્યું હતું કે ‘’સરકાર અને બ્રિટિશ પ્રેસ બંને “રોક બોટમ” પર હોવાથી મારી ટીકા કરે છે. 1996 અને 2010ની વચ્ચે પ્રકાશિત થયેલા લગભગ 140 લેખોમાં ગેરકાયદેસર પદ્ધતિઓનો ઉપયોગ કરીને એકત્રિત કરવામાં આવેલી માહિતીનો સમાવેશ કરાયો હતો. જેમાંથી 33 લેખોને કોર્ટ કેસમાં ધ્યાનમાં લેવા માટે પસંદ કરવામાં આવ્યા છે.’’

ઊલટતપાસમાં એમજીએનનું પ્રતિનિધિત્વ કરતા એન્ડ્રુ ગ્રીન, કેસીએ ડ્યુકને જણાવ્યું હતું કે મિરર ગ્રૂપના અખબારો દ્વારા હરીફ પેપરોના લેખોના ફોલો-અપ તરીકે કેટલીક સ્ટોરીઝ લખાઇ હતી.

પરંતુ ડ્યુક હેરીએ કહ્યું હતું કે પત્રકારો “રોયલ્સને લગતું કંઈપણ લખવા માટે આતુર ” હતા અને “અમારા ખાનગી જીવનનું કોઈપણ તત્વ લોકો માટે રસપ્રદ છે”.

કોરોનેશન સ્ટ્રીટ અભિનેતા માઈકલ ટર્નર, નિક્કી સેન્ડરસન, તેમજ હાસ્ય કલાકાર પોલ વ્હાઇટહાઉસની ભૂતપૂર્વ પત્ની ફિયોના વિટમેને પણ પ્રકાશક સામે દાવાઓ કર્યો છે.

હેરીના વકીલે સોમવારે સુનાવણીમાં જણાવ્યું હતું કે ‘મિરર’ના પત્રકારોએ પ્રિન્સેસ ડાયનાના વૉઇસમેઇલ સંદેશાઓ સાંભળ્યા હતા.

લંડનની રોયલ કોર્ટ ઑફ જસ્ટિસમાં ટ્રાયલની અધ્યક્ષતા કરી રહેલા જસ્ટિસ ટિમોથી ફેનકોર્ટે “આશ્ચર્ય” વ્યક્ત કર્યું હતું કે ટ્રાયલની શરૂઆતમાં હેરી કોર્ટમાં ન હતા પરંતુ તેમને કહેવાયું હતું કે તે લોસ એન્જલસથી રવિવારે જ આવ્યા હતા. 4 જૂનના રોજ પુત્રી પ્રિન્સેસ લિલિબેટનો બીજો જન્મદિવસ હતો.

1891માં તત્કાલિન પ્રિન્સ ઓફ વેલ્સ એડવર્ડ VII ને રોયલ બેકારેટ સ્કેન્ડલ તરીકે ઓળખાતા જુગારના કેસમાં પુરાવા આપવા માટે કોર્ટમાં બોલાવવામાં આવ્યા હતા. તેમના પછી અદાલતમાં પુરાવા આપનાર હેરી પ્રથમ વરિષ્ઠ રાજવી બન્યા છે.

LEAVE A REPLY

17 − 14 =