યુકેની સંસદ હાઉસ ઓફ કોમન્સમાં તા. 23 મે 2023ના રોજ હનુમાન ચાલીસાની ઉજવણી કરતા ધ્રુવ છત્રાલિયા BEMએ “હનુમાન ચાલીસા અનુસાર કરિયર મેનેજમેન્ટના સફળતાના રહસ્યો” વિષય પર પોતાનું પ્રેરણાદાયી 400મું વક્તવ્ય આપ્યું હતું. આ ઐતિહાસિક ઘટનાને 12 વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણી પણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમનું આયોજન પદ્મશ્રી બોબ બ્લેકમેન એમપી દ્વારા કરવામાં આવ્યું હતું અને સર ગ્રેહામ બ્રેડી એમપી (1922 સમિતિના અધ્યક્ષ) એ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં 170થી વધુ લોકો જોડાયા હતા.

સાંજની શરૂઆત કરતાં રિદ્ધિ વ્યાસે આ મહાકાવ્યની 12 વર્ષની સફરની માહિતી આપી હતી. પદ્મશ્રી બોબ બ્લેકમેને ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. તો શ્રોતાઓએ તેમને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રીથી સન્માનિત થવા બદલ તેમને અભિનંદન આપ્યા હતા. ધ્રુવ છત્રાલિયાએ હનુમાન ચાલીસાનું પઠન કરતા શ્રોતાઓ તેમની સાથે જોડાયા હતા. શ્રી છત્રાલિયાએ મંત્રમુગ્ધ કરતી હનુમાન ચાલીસા અંગે સમજાવ્યું હતું કે કેવી રીતે હનુમાન ચાલીસા ભગવાન શ્રી હનુમાનના સ્વરૂપમાં શ્રેષ્ઠ મેનેજર અને વિશ્વના સૌથી સફળ વ્યક્તિના મહિમા, પરાક્રમ અને મહાનતાનું વર્ણન કરે છે. તેમણે જણાવ્યું હતું કે ભગવાન હનુમાનજીની પૂજા કરવાથી હનુમાનજી આપણને તેમના ગુણોથી આશીર્વાદ આપે છે જે જીવનમાં આપણા લક્ષ્યોને પૂર્ણ કરવા માટે જરૂરી છે.

ધ્રુવે હનુમાન ચાલીસાની ચૌપાઈ 4 થી 12 એટલે કે માત્ર નવ ચોપાઈઓ પર 90 મિનિટ સુધી પ્રવચન આપી આ વિષય પરના પોતાના ગહન જ્ઞાનનો પરચો કરાવ્યો હતો.

LEAVE A REPLY

one × 4 =