(ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોન સાથેની વાટાઘાટો કરે તેના એક દિવસ પહેલા ગુરુવારે સંરક્ષણ મંત્રાલયે ફ્રાન્સ પાસેથી નૌકાદળ માટે 26 રાફેલ જેટ અને ત્રણ સ્કોર્પિન સબમરીન ખરીદવાની દરખાસ્તોને મંજૂરી આપી હતી. સંરક્ષણ ક્ષેત્ર માટેની આ મોટી ખરીદીનો ખર્ચ આશરે રૂ.80,000થી 85,000 કરોડ રહેવાનો અંદાજ છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિહના વડપણ હેઠળની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)એ આ દરખાસ્તોને મંજૂરી આપી હતી. તેનાથી ભારતના નૌકાદળની તાકાતમાં મોટો વધારો થશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે રાફેલ યુદ્ધવિમાનો તથા વીપન સિસ્ટમ સહિત સંલગ્ન ઇક્વિપમેન્ટની ખરીદીનો સોદો સરકાર-સરકાર વચ્ચેની ડીલ આધારિત હશે. તમામ પાસાંને ધ્યાનમાં લીધા બાદ ભાવ અને બીજી શરતો નક્કી કરવામાં આવશે. શુક્રવારે મોદી અને મેક્રોન વચ્ચેની મંત્રણા પછી આ ખરીદીની બંને દેશો જાહેરાત કરે તેવી ધારણા છે.

આ અંગેના કરાર પર હસ્તાક્ષર થયાના ત્રણ વર્ષમાં ફ્રાન્સની અગ્રણી એરોસ્પેસ કંપની દસોલ્ટ આ વિમાનોની ડિલિવરી આપશે. જોકે આ સોદા પર હસ્તાક્ષર થતા એક વર્ષનો સમય લાગવાની શક્યતા છે, કાણ કે ભાવ અને શરતો અંગે વિગતવાર ચર્ચાવિચારણા થશે. હિંદ મહાસાગરમાં ચીનના વધતા જતા આક્રમક વલણ વચ્ચે ભારત નૌકાદળના ક્ષમતાને વધારવા માટે રાફેલ જેટ અને સબમરીન ખરીદી રહ્યું છે. છમાંથી પાંચ સ્કોર્પિન સબમરીન પહેલેથી નૌકાદળમાં સામેલ કરાઈ છે. હાલમાં નૌકાદળ પાસે 16 સબમરિન છે, જેમાંથી પાંચ નવી છે. ભારતે અગાઉ એર ફોર્સ માટે ફ્રાન્સ પાસેથી 36 રાફેલ વિમાનો ખરીદ્યા હતા.

 

LEAVE A REPLY