લંડનમાં અત્યાર સુધીની સૌથી મોટી લોજિસ્ટિકલ ઇવેન્ટ ક્વીન લેઇંગ-ઇન-સ્ટેટની યાત્રા અને પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટરના ઐતિહાસિક હોલમાં રખાયેલા મહારાણી એલિઝાબેથ દ્વિતીયના પાર્થિવ દેહના દર્શન કરવા તા. 14ના રોજ લાખ્ખો લોકોએ લાઇનો લગાવી હતી.

મહારાણીનું કોફિન બકિંગહામ પેલેસથી એક ભવ્ય શોભાયાત્રામાં વેસ્ટ મિન્સ્ટર હોલમાં લાવવામાં આવ્યું હતું. ઘોડા દ્વારા ખેંચવામાં આવતા ગન કેરેજ પર મૂકેલા કોફિનની પાછળ કિંગ ચાર્લ્સ III, પ્રિન્સ વિલિયમ અને હેરી, પ્રિન્સેસ એની, પ્રિન્સ એન્ડ્ર્યુ અને એડવર્ડ જોડાયા હતા.

હીથ્રો એરપોર્ટે 40-મિનિટની યાત્રા દરમિયાન મૌન રહે તે સુનિશ્ચિત કરવા માટે ફ્લાઇટના સમયપત્રકમાં ફેરફાર કર્યો હતો. તે સમય દરમિયાન માત્ર ગન સેલ્યુટ બિગ બેનના રણકારો જ સંભળાયા હતા.

કોફિનને રોયલ સ્ટાન્ડર્ડથી તૈયાર કરાયું હતું. જેના પર જાંબુડિયા મખમલના ઓશિકા પર હીરાથી ઢંકાયેલો ઈમ્પિરિયલ સ્ટેટ ક્રાઉન અને વિન્ડસર કાસલના બગીચાના સફેદ ગુલાબ અને પર્ણસમૂહથી બનેલા ફૂલોની રેથ મૂકવામાં આવી હતી.

કેન્ટરબરીના આર્ચબિશપ રેવરન્ડ જસ્ટિન વેલ્બીએ બાઇબલમાંથી અવતરણ વાંચ્યું હતું. 19મી સદીના લાઇંગ-ઇન-સ્ટેટના પ્રાચીન સમારોહમાં વેસ્ટમિન્સ્ટર હોલની મધ્યમાં બનાવાયેલા ઊંચા પ્લેટફોર્મ – કેટાફાલ્ક પર કોફિન મૂકવામાં આવ્યું હતું. જેના કતારમાં ઉભા રહેલા હજ્જારો લોકોએ દર્શન કર્યા હતા.

ટૂંકી સર્વિસ પછી ક્વીન્સ કંપની 1 લી બટાલિયન ગ્રેનેડીયર ગાર્ડ્સના કેપ્ટને વરિષ્ઠ સાર્જન્ટની સહાયથી, રેજિમેન્ટનું રોયલ સ્ટાન્ડર્ડ કેટાફાલ્કના પગથિયાં પર મૂક્યું હતું. હાઉસહોલ્ડ કેવેલરીના ચાર અધિકારીઓએ વિજીલ શરૂ કરી દરેક ખૂણા પર તેમની જગ્યાઓ લઇ મહારાણીને આદર આપવા માથું નમાવ્યું હતું. દર 20 મિનિટે આ ગાર્ડ બદલાતા હતા. પૂરા સમય દરમિયાન 900 વર્ષ જૂના વેસ્ટમિન્સ્ટર હોલની અંદર પિન-ડ્રોપ સાયલન્સ છવાયેલું રહ્યું હતું. સંસદના સભ્યો, પીઅર્સ, મીલીટરી વેટરન્સ અને અન્ય લોકોએ તેમાં ભાગ લીધો હતો.

તા. 14ને બુધવારની સાંજે સ્થાનિક સમયાનુસાર સાંજે 5 વાગ્યે લાઈંગ-ઈન-સ્ટેટ સમારોહ જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યો હતો અને થેમ્સ નદીની આસપાસ 4-કિમી લાંબી કતાર લાગી હતી.

સમારંભના લોજિસ્ટિકલ પાસાને સંકલન કરતા ડિપાર્ટમેન્ટ ઓફ ડિજિટલ, મીડિયા એન્ડ સ્પોર્ટ્સ (DCMS)એ આ લાઇનને 16 કિલોમીટરથી વધુ લાંબી કરવાની મંજૂરી આપવાની ના કહી 30 કલાક લાંબી રાહ જોવા માટે ચેતવણી આપી હતી.

શાહી પરિવારના સભ્યોએ મંગળવારે આખી રાત કોફિન સાથે સમય પસાર કર્યો હતો. રાણીએ તેમની અંતિમ રાત બકિંગહામ પેલેસમાં વિતાવી હતી. બુધવારની શોભાયાત્રા લોકો જોઇ શકે તચે માટે હાઇડ પાર્કમાં મોટી સ્ક્રીનો ગોઠવવામાં આવી હતી.

LEAVE A REPLY

two + one =