કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવાર, 10 મેએ દાહોદમાં નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મેદાનમાં આદિવાસી સત્યાગ્રહ રેલીમાં સંબોધન કર્યું હતું. (ANI Photo)

ગુજરાતના દાહોદમાં મંગળવારે આદિવાસી સત્યાગ્રહી રેલીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે હાલમાં માત્ર બેથી ત્રણ લોકોની સરકાર ચાલે છે, હવે નવું ગુજરાત બનાવવું પડશે. અમે ગુજરાતમાં એવું મોડલ આપીશું કે જેમાં આપણે તમામ સાથે મળીને કામ કરીશું. રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીની સરકાર પર નોટબંધી, જીએસટી, કોરોના અને મનરેગા સહિતના મુદ્દે મોદી સરકાર સામે પ્રહારો કર્યા હતા. રાહુલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી ચૂંટણી પર ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે.

‘2022 કોંગ્રેસ લાવીશ’ના નારા સાથે ગુજરાત કોંગ્રેસે દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ રેલીનું આયોજન કર્યું હતું અને તેમાં રાહુલ ગાંધીએ લોકોને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ આદિવાસીઓના વિકાસની સાથે જળ, જંગલ, જમીનના અધિકારનો ઉલ્લેખ કર્યો હતો અને વચન આપ્યું હતું કે જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની તો રિવર લિંકિંગ પ્રોજેક્ટ બંધ કરી દઈશું. અહીં ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની રિવર લિન્કિંગ યોજનાનો ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ભારે વિરોધ થયો હતો અને તેના કારણે આ યોજના પડતી મૂકવી પડી હતી.

કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકાર સામે પ્રહાર કરતાં તેમણે આક્ષેપ કર્યો હતો કે નરેન્દ્ર મોદીએ પર ભારતને બે ભાગમાં વહેંચી દીધું છે, જેમાં એક રૂપિયાવાળા લોકોનું ભારત અને બીજુ ગરીબોનું ભારત, આ કારણે ગરીબોની તકલીફો વધી રહી છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમણે ગુજરાત સાથે પણ આવું જ કર્યું હતું. કોંગ્રેસે હંમેશા ગરીબો માટે કામ કર્યું છે.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી 2014માં દેશના વડાપ્રધાન બન્યા અને તેના પહેલા તેઓ ગુજરાના મુખ્યપ્રધાન હતા, જે કામ તેમણે ગુજરાતમાં શરુ કર્યું તે આજે ભારતમાં કરી રહ્યા છે. આજે બે ભારત બની રહ્યા છે, એક અમીરોનું ભારત, જેમાં પસંદગીના લોકો છે, મોટા અબજોપતિ છે, બ્યુરોક્રેટ્સ, જેમની પાસે સત્તા છે, ધન છે અને અહંકાર છે, અને બીજુ ભારત સામાન્ય પ્રજા સામાન્ય લોકોનું ભારત છે. બધાને તક મળવી જોઈએ, બધાને શિક્ષણ મળવું જોઈએ, સૌને સ્વાસ્થ્યની સેવા મળવી જોઈએ. જે ભાજપનું મૉડલ છે, તે બે ભારત અને બે ગુજરાતનું મૉડલ છે. તમને જે ફાયદો મળવો જોઈએ તે નથી મળતો.

. (ANI Photo)