પ્રતિક તસવીર National Disaster Response Force/Handout via REUTERS

મહારાષ્ટ્રમાં રાયગઢ, પુના, કોલ્હાપુર, સાંગલી, સતારા સહિતના જિલ્લામાં છેલ્લાં બે દિવસથી ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂરના પ્રકોપથી 112 લોકોના મોત થયા હતા આશરે 1.30 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. રાજ્યમાં રાહત અને બચાવ કામગીરી માટે આર્મીની મદદ લેવામાં આવી હતી. રાજ્યમાં ભારે વરસાદને કારણે 99 લોકો ગુમ થયા છે. રાજયમાં ભારે વરસાદના કારણે આવેલા પુરથી 54 ગામો સંપૂર્ણ રીતે અને 800થી વધુ ગામો આંશિક રીતે અસરગ્રસ્ત થયા હતા. જેમાં પુનાના 420 ગામ, કોલ્હાપુરના 243 ગામ, સાંગલીના 92 અને સતારા જિલ્લાના 120 ગામનો સમાવેશ થાય છે.

વરસાદથી કોંકણના રાયગઢમાં સૌથી વધુ વિનાશ થયો છે. જિલ્લામાં ત્રણ સ્થળોએ ભૂસ્ખલન થયું હતું.. એકલા મહાડના તલિયા ગામમાં થયેલા ભૂસ્ખલનમાં જ 52 શબને બહાર કાઢવામાં આવ્યા હતા અને 53 લોકો ગુમ છે.
સ્ટેટ ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ મુજબ રાયગઢ, રત્નાગિરી, સાંગલી, સતારા, કોલ્હાપુર, સિંધુદુર્ગ અને પુનામાં અત્યાર સુધીમાં 112 શબને કાટમાળમાંથી કાઢવામાં આવ્યા છે. વશિષ્ઠી નદી પર પુલ વહી જવાના કારણે ચિપલૂન તરફ જનાર માર્ગ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો છે. મુંબઈ-ગોવા હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગી છે.
વરસાદ દરમિયાન ભૂસ્ખલન અને પુરથી 3,221 પાલતુ પશુઓના મૃત્યુ થયા છે. સૌથી વધુ 3024 પશુઓના મૃત્યુ સતારા જિલ્લામાં થયા છે.

રાજ્યમાં વરસાદના કારણે સર્જાયેલી પુરની સ્થિતિમાં રાહત અને બચાવ માટે NDRFની 34 ટીમને લગાડવામાં આવી હતી. જેમાંથી 8 ટીમને મુંબઈ, પુના અને નાગપુરમાં રિઝર્વ રાખવામાં આવી છે. આ ઉપરાંત નેવીની 7 ટીમો, એસડીઆરએફની 8, કોસ્ટગાર્ડની ત્રણ અને એરફોર્સના હેલિકોપ્ટર સહિત આર્મીની 6 ટીમોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની 48 બોટ અને એસડીઆરએફની 11 બોટ સહિત 59 બોટ દ્વારા લોકોને રાહત આપવામાં આવી રહી છે.