રાજેશ વર્મા (તસવીર સૌજન્ય - મેટ પોલીસ)

એક્ટનમાં બર્કબેક ગ્રોવમાં ગત તા. 31 ઓગસ્ટ, 2003ના રોજ આઠ શખ્સોના જૂથ દ્વારા કોઇ જ કારણ વગર અચાનક જ ગાર્ડન શીયર્સ વડે હુમલો કરી રાજેશ વર્માની હત્યા કરનાર હત્યારાઓને શોધી કાઢવા પોલીસે ફરીથી તપાસ આદરી છે. પોલીસે હત્યારાની માહિતી આપનાર વ્યક્તિને £20,000નું ઇનામ આપવાની જાહેરાત કરી છે.

રાજેશ વર્માને ઇજાઓને કારણે મગજમાં ગંભીર ઇજાઓ થતાં 15 વર્ષ સુધી ગંભીર આરોગ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અને જીવનના છેલ્લા 18 મહિના તો તેઓ બોલવામાં અસમર્થ રહ્યા હતા. રાજેશની પત્ની મોના વર્માએ પતિના હત્યારાઓ અંગે માહિતી આપવા મદદ માટે અપીલ કરી છે.

બે બાળકોના પિતા અને 42 વર્ષના રાજ વર્માનું તા. 27મી મે, 2018ના રોજ અવસાન થતાં તેમના વિશેષ પોસ્ટમોર્ટમમાં મોત માટે 2003માં થયેલો હુમલો જવાબદાર હોવાનું જણાયું હતું. જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે રાજના બાળકો 11 અને 13 વર્ષનાં હતાં. મેટ્રોપોલિટન પોલીસે પરિણામોની સમીક્ષા કરી માર્ચમાં હુમલાખોરોને શોધવા માટે હત્યાની ફરીથી તપાસ શરૂ કરી હતી.