Rishi Sunak mourning the demise of Ram Bapa
પૂ. રામબાપા

દેશ વિદેશમાં ભક્તોની પ્રાર્થનાઓ અને હરીનામ ધૂનના જાપ વચ્ચે તા. 28મી મેના રોજ 100મા જન્મ દિનની ઉજવણી કરનાર હનુમાનજીના પરમ ભક્ત પ. પૂ. રામબાપાએ ગરવી ગુજરાતને આપેલી ટોલિફોનીક મુલાકાતમાં જણાવ્યું હતું કે ‘’ છળ, કપટ, ઇર્ષા છોડી લોકોનું ભલુ કરો તો તમે પણ સો વર્ષ જીવશો. હનુમાન દાદાની દયા અને અશિર્વાદથી આ કોરોનાવાયરસની બીમારી પણ થોડાક સમયમાં ચાલી જશે.’’

સો વર્ષનુ પરોપકારી જીવન કઇ રીતે જીવી શક્યા તેનો કોઇ ગુરૂમંત્ર તો આપો? એવા પ્રશ્નના જવાબમાં પ. પૂ. રામબાપાએ જણાવ્યું હતું કે ‘’મારી જીંદગીમાં કદી કોઇ દિવસ છળ, કપટ, ઇર્ષા, છીદ્ર, હોંશીયારી આવ્યા નથી. મારો હરહંમેશ એક જ નિયમ હતો કે હંમેશા લોકોનુ ભલુ કરવું અને નિષ્કામ જીવન જીવવું. મારો ધર્મ એજ છે કે બીજાનું ભલુ કરો, બીજાને ખવડાવો અને બીજાને કંઇકને કઇંક આપતા રહો. આપણા હિન્દુ ધર્મનો પ્રસાર થાય તે માટે ગામે ગામ પહેલા હનુમાન ચાલીસાના સત્સંગ અને પછી મંદિરો બનાવવા, મંદિર થતા હોય તે ભગવાનની પ્રતિમાઓ ભારતથી લાવી આપી તેની પ્રતિષ્ઠા કરવામાં મદદ કરવી તે જ શુભ હેતુ રહ્યો છે. હનુમાન દાદાની દયાથી કુંભના મેળાઓમાં ભોજનાશાળા અને ભંડારો કરવાથી, ભક્તોને ભોજન જમાડવામાં પરમ સંતોષ પ્રાપ્ત થયો છે. મારુ જીવન જ તમારા જેવા ભક્તો માટે છે.’’

પૂ. રામબાપાએ જણાવ્યું હતુ કે ‘’ભગવાનની દયાથી કોરોનાવાયરસથી ખૂબ જ થોડાક સમયમાં આપણા સૌનો છુટકારો થઇ જશે. મારા શબ્દો યાદ રાખજો. મારી આજ પ્રાર્થના છે અને પ્રભુ મારી પ્રાર્થના સાંભળે છે. હનુમાન દાદાની સાક્ષાત કૃપા છે. અમે જીજ્ઞાસુ સત્સંગ મંડળના ભક્તોએ ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાહત ફંડમાં £11,000 અને ગરીબોને જમાડવા માટે બીજા 5 લાખ રૂપિયાની સખાવત કરી હતી.‘’

પૂ. રામબાપાએ જણાવ્યું હતુ કે ‘’કોરોનાવાયરસ અંગેના સરકારના નિયંત્રણો હટાતાની સાથે જ જિજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા ખૂબ જ ખાસ ઉજવણી અને 9 કલાકની સતત હનુમાનચાલીસાની ધૂનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે આશરે હજાર માણસો એકત્ર થશે અને સૌ પ્રસાદનો લાભ લેશે. વાયરસના આ રોગચાળા સામે લડવા સૌ ભક્તોને હું ભગવાનમાં વિશ્વાસ રાખવા અપીલ કરૂ છું. હનુમાન દાદાની દયાથી બધુ પાછું સરસ થઇ જશે.’’

આ પ્રસંગે પૂ. રામબાપાએ યુકેના સૌથી જુના અને ટોચના સાપ્તાહિક ગરવી ગુજરાતના સ્થાપક અને તંત્રી શ્રી રમણિકલાલ સોલંકીને અંજલિ આપી તેમના દ્વારા સેવાયજ્ઞમાં આપવામાં આવેલા સહકાર બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

30 વર્ષમાં આ વખતે પહેલીવાર છે જ્યારે પૂજ્ય રામબાપાના 100 માં જન્મ દિન પ્રસંગે પારંપરિક હનુમાન ચાલીસા અને હરીનામ ધૂન થઈ શક્યા નથી. મંડળે પૂ. રામબાપાના 100મા જન્મ દિવસ પ્રસંગે વર્ષોની હાઇલાઇટ્સને એકત્ર કરી એક વિશેષ વિડીયો તૈયાર કર્યો હતો. જે આ વેબલિંક પર ક્લીક કરવાથી જોઇ શકાશે. https://bit.ly/3eCqySG.

1981માં ભક્તિવેદાંત મેનોરમાં પૂ. શ્રી રામબાપાએ શ્રી સીતા રામ લક્ષ્મણ હનુમાનજીની પ્રતિમા અર્પણ કરી હતી. જેને યાદ રાખીને ભક્તિવેદાંત મેનોરના ટ્રસ્ટીઓએ પૂ. રામબાપાને 100મા જન્મદિવસની શુભેચ્છા આપી હનુમાન દાદા અને શ્રી રામને પહેરાવવામાં આવેલો હાર પૂ. રામબાપાને ભેટ કર્યો હતો.

વિશ્વ ભજન મંડળ (લેસ્ટર)ના વિનુભાઇ સિકોત્રા, મધુભાઇ સોની અને લાડવા પરીવારે દેશોના સૌથી જૂના ભજન મંડળોને ઓનલાઇન ઝૂમ પર એકત્ર કરી પૂ. રામબાપાને જન્મ દિવસની શુભેચ્છા આપી હતી. શ્રી પિયુષભાઇ મહેતાએ તા. 31 મે ના રોજ તેમનો વિષ્ણુ સહસ્રનામ યજ્ઞ સમર્પિત કર્યો હતો. ભારતમાં શ્રી અજય કે. યાજ્ઞીક અને લોકેશ શર્મા, દિલ્હીથી સુંદરકાંડ પાઠ સમર્પિત કર્યા હતા. જ્યારે દુબઇમાં ભક્તો નાના જૂથોમાં હનુમાન ચાલીસાના પાઠ કરવા માટે ભેગા થયા હતા. આ ફક્ત શરૂઆત છે અને આવતા અઠવાડિયાઓ અને મહિનામાં ઘણા અન્ય પ્રોગ્રામોનુ આયોજન થયુ છે.

પૂજ્ય શ્રી રામબાપાના શતાબ્દી વર્ષના શુભ પ્રારંભની ઉજવણી માટે તેમના જન્મ દિવસ ગુરૂવાર તા. 28 મે, 2020ના રોજ જલારામ મંદિર, ગ્રીનફર્ડ દ્વારા www.jalaram.tv પર શ્રી હનુમાન ચાલીસાના 21 પાઠ કરવામાં આવ્યા હતા અને પૂ. રામ બાપાની સેવા, સત્સંગ અને સમર્પણ સતત ચાલુ રહે અને તેમનું સ્વાસ્થ્ય સારૂં રહે તે માટે શ્રી હનુમાનજીને પ્રાર્થના કરવામાં આવી હતી.

પૂજ્ય શ્રી રામબાપા તરીકે જાણીતા મગનલાલ વલ્લભદાસ ભીમજીયાણીનો જન્મ તા. 28મી મે, 1920ના રોજ જીરા ગામમાં થયો હતો. સાત વર્ષની ઉંમરથી તેમણે હનુમાન દાદા સાથે જોડાણ અનુભવ્યું હતુ અને સ્કૂલ છોડીને હનુમાન મંદિરમાં બેસતા અને પ્રાચીન હિન્દુ ગ્રંથોનો અભ્યાસ કરતા. તેઓ વંચિત અને સંતોની સેવા કરવામાં પોતાનો સમય ફાળવતા. 1930માં તેઓ યુગાન્ડા ગયા હતા અને સંત ગુરુ પૂજ્ય શ્રી હિરજીબાપાની કૃપા અને માર્ગદર્શન હેઠળ 40 વર્ષ ઇસ્ટ આફ્રિકામાં સેવા આપી હતી. કમ્પાલામાં સનાતન હિન્દુ મંદિરના નિર્માણ સહિતના અનેક સેવાકીય પ્રોજેક્ટ્સ માટે પૂરા દિલથી સેવા કરી હતી.

1970માં પરિવાર સાથે લંડન આવી આ દેશમાં હિન્દુ ધર્મના વિકાસ માટે શ્રી જીજ્ઞાસુ સત્સંગ સેવા ટ્રસ્ટની સ્થાપના કરી રામાયણના નિયમિત વાંચન અને પ્રવચનો, કથાઓ, 108 હનુમાન ચાલીસાના નિયમિત પાઠ આદર્યા હતા. જે આજે પણ ચાલુ છે. તેમણે ભારતના સત્તર “કુંભ મેળા” અને “માઘ માસ મેળા”માં ભાગ લીધો છે અને તેમના “મારુતિ રામબાપા સેવા ટ્રસ્ટ” દ્વારા યોજાતા ભંડારા અને તબીબી શિબિરોનો દરરોજ દસ હજાર યાત્રાળુઓ લાભ લે છે. તેમણે સુરીનામ, ગયાના, બાર્બાડોસ, ઘાના, કેન્યા, સ્પેન, પોર્ટુગલ, જર્મની, કેનેડા, યુનાઇટેડ સ્ટેટ્સ, યુકેના 50 કરતાં વધુ મંદિરોમાં દેવી-દેવતાઓની સુંદર મુર્તિઓ અર્પણ કરી છે.

પૂ. રામબાપાના તમામ સેવા કાર્યો તેમના સુપુત્રી ભારતીદેવી કંટારીયાના હસ્તે થઇ રહ્યા છે જેમની સંપર્ક માહિતી આ મુજબ છે. ઇમેઇલ: [email protected] અને 07956 814 214.