પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાજા (Photo by ARIF ALI/AFP via Getty Images)

ઈન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સે રવિવારે તેની બેઠકમાં ચાર દેશોની – ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટુર્નામેન્ટ આઈસીસીના નેજા હેઠળ રમાડવાની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાની દરખાસ્ત ફગાવી દીધી હતી. આ બેઠકમાં લેવાયેલા એક અન્ય મહત્ત્વના નિર્ણયમાં ભારતીય બોર્ડના સેક્રેટરી જય શાહનો આઈસીસીની ક્રિકેટ કમિટીમાં સમાવેશ કરાયો હતો.

આગામી સીઝનથી ટેસ્ટ મેચોમાં નિષ્પક્ષ અમ્પાયર્સની સેવાઓ ફરીથી શરૂ કરવાનો પણ નિર્ણય લેવાયો હતો. આ પ્રણાલી કોરોના વાઈરસના રોગચાળાના કારણે અટકાવી દેવાઈ હતી, પણ હવે પ્રવાસ નિયંત્રણો ઉઠાવી લેવાયા છે ત્યારે તેનો ફરીથી અમલ કરાશે. આ ઉપરાંત, સૌપ્રથમ અંડર-19 મહિલા ટી-20 વર્લ્ડ કપ ક્રિકેટ સ્પર્ધા આગામી જાન્યુઆરી મહિનામાં સાઉથ આફ્રિકામાં યોજવાનો નિર્ણય લેવાયો હતો. તેમાં 16 દેશોની ટીમ ભાગ લેશે.