Chaos due to overcrowding at Airport
દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશન એરપોર્ટ પરની મંગળવાર, 13 ડિસેમ્બર 2022ની ભીડ (PTI Photo/Ravi Choudhary)

ભારતના દિલ્હી અને અન્ય એરપોર્ટ પર ભારે ભીડને પગલે મંગળવાર, 13 ડિસેમ્બરે ઇન્ડિગો, સ્પાઇસજેટ, વિસ્તારા સહિતની એરલાઈન્સે મુસાફરોને વહેલા પહોંચવા, વેબ ચેક-ઈન કરવા અને માત્ર એક હેન્ડબેગ રાખવા સૂચના આપી છે.

દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોએ મુસાફરોને ડોમેસ્ટિક પ્રસ્થાનના ઓછામાં ઓછા 3.5 કલાક પહેલા દિલ્હી એરપોર્ટ પર પહોંચવા સૂચના આપી છે. એરપોર્ટ પર ભારે ભીડ વચ્ચે વિસ્તારાએ તેના મુસાફરોને ડોમેસ્ટિક તેમજ ઇન્ટરનેશનલ ફ્લાઇટના ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલાં એરપોર્ટ પર પહોંચવાની સૂચના આપી છે.

સત્તાવાળાઓએ ભીડની સમસ્યાનો સામનો કરવા માટે પીક અવર્સ દરમિયાન ફ્લાઈટ્સની સંખ્યામાં ઘટાડો કરવા સહિત એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ સોમવારે દિલ્હી એરપોર્ટ પર વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.

ઇન્ડિગોએ ટ્વીટર પર એડવાઈઝરી જારી કરીને જણાવ્યું હતું કે દિલ્હી એરપોર્ટ પર લોકોની ભીડ વધુ જોવા મળી રહી છે અને ચેક-ઇન અને બોર્ડિંગનો સમય સામાન્ય કરતાં વધુ લાંબો રહેવાની ધારણા છે. ઇન્ડિગોએ જણાવ્યું હતું કે “મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ સ્થાનિક પ્રસ્થાનના ઓછામાં ઓછા 3.5 કલાક પહેલાં એરપોર્ટ પર પહોંચે તથા સરળ સિક્યોરિટી ચેકિંગ માટે 7 કિલો વજનની માત્ર 01 હેન્ડબેગ સાથે રાખે. વધારાની સગવડ માટે તમારું વેબ ચેક-ઇન પણ કરો.”

એરપોર્ટ ટર્મિનલ્સ પર મુસાફરોની ભીડને ટાંકીને સ્પાઈસજેટે મુસાફરોને વહેલા પહોંચવા અને 7 કિલોગ્રામ સુધીની માત્ર હેન્ડબેગ રાખવાની સલાહ આપી છે. દિલ્હી એરપોર્ટ વિશે સ્પાઇસજેટે જણાવ્યું હતું કે ભીડને કારણે ચેક-ઇન અને બોર્ડિંગમાં સામાન્ય કરતાં વધુ સમય લાગવાની ધારણા છે.

મુંબઈ એરપોર્ટ વિશે સ્પાઈસજેટે ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે મુસાફરોને “ફ્લાઇટના પ્રસ્થાનના સમયના 2.5 કલાક પહેલા અને આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે 3.5 કલાક પહેલા” પહોંચવાની સલાહ આપી છે. મુસાફરોને ઝડપી અને સરળ પ્રોસેસિંગ માટે મુસાફરોને અગાઉથી વેબ ચેક-ઇન પૂર્ણ કરવા અને બોર્ડિંગ પાસ સાથે ઓળખ પુરાવા હાથમાં રાખવા માટે પણ કહેવામાં આવ્યું છે. મંગળવારે પણ ઘણા મુસાફરોએ સોશિયલ મીડિયા પર દિલ્હી એરપોર્ટ પર અરાજકતા અને લાંબા સમય સુધી રાહ જોવાની ફરિયાદ કરી હતી.

LEAVE A REPLY

2 × 5 =