Saudi's refusal to provide interest-free loans to Pakistan
(ANI Photo)

ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે મંગળવારે ભારત સાથે તમામ ગંભીર અને વિવાદાસ્પદ મુદ્દાઓ અંગે મંત્રણા કરવાની ફરી ઓફર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બંને દેશો માટે યુદ્ધ કોઇ વિકલ્પ નથી, કારણ કે બંને પડોશી દેશો ગરીબી અને બેરોજગારી સામે લડી રહ્યાં છે.

ઇસ્લામાબાદમાં પાકિસ્તાન મિનરલ્સ સમીટના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરતી વખતે તેમણે આ ટિપ્પણી કરી હતી. આ સમીટમાં આર્મી ચીફ જનરલ અસીમ મુનીર તથા અનેક રાષ્ટ્રીય અને વિદેશી મહાનુભાવો હાજર હતાં. ‘ડસ્ટ ટુ ડેવલપમેન્ટ’ના હેતુ હેઠળ આયોજિત આ સમીટનો ઉદ્દેશ્ય રોકડની તંગીવાળા દેશમાં વિદેશી રોકાણ આકર્ષવાનો હતો.

ભારતનો દેખિતો ઉલ્લેખ કરતા શાહબાઝ શરીફે જણાવ્યું હતું કે અમે દરેક સાથે વાતચીત કરવા તૈયાર છીએ, અમારા પાડોશી સાથે પણ મંત્રણા માટે તૈયાર છીએ, પરંતુ શરત એ છે કે પડોશી દેશ મંત્રણાના મેજ પર ગંભીર બાબતોની ચર્ચા કરવા માટે ગંભીર હોય, કારણ કે યુદ્ધ હવે કોઇ વિકલ્પ નથી.

વડાપ્રધાને પાકિસ્તાન અને ભારત વચ્ચેના યુદ્ધોનો પણ ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે યુદ્ધોના પરિણામે ગરીબી, બેરોજગારીમાં વધારો થયો  છે તથા શિક્ષણ, આરોગ્ય અને લોકોની સુખાકારી માટે નાણાંકીય સંસાધનોનો અભાવ ઊભો થયો છે. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનની પરમાણુ ક્ષમતા સંરક્ષણાત્મક હેતુઓ માટે છે અને આક્રમણ માટે નથી. કારણ કે જો કોઈ પરમાણુ સંઘર્ષ થાય તો શું થયું તે કહેવા માટે કોણ જીવશે? તેથી (યુદ્ધ) કોઈ વિકલ્પ નથી. શરીફે ભારપૂર્વક જણાવ્યું હતું કે પાકિસ્તાન પરમાણુ સંઘર્ષની કાળી બાજુથી સારી રીતે વાકેફ છે, પરંતુ ભારતે પણ તેનો ખ્યાલ રાખવો જોઈએ.

તેમણે જણાવ્યું હતું કે વણઉકેલાયેલા મુદ્દાઓને ઉકેલ લાવીને અસામાન્યતાઓને દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી સંબંધો સામાન્ય નહીં બને. તે પણ એટલું જ મહત્વનું છે કે આપણા પાડોશીએ સમજવું જોઈએ કે અસાધારણતાને દૂર કરવામાં ન આવે અને આપણા ગંભીર મુદ્દાઓને શાંતિપૂર્ણ અને અર્થપૂર્ણ મંત્રણાથી ઉકેલ શોધવામાં ન આવે ત્યાં સુધી આપણે સામાન્ય પડોશી બની શકીશું નહીં.

સરહદ પારના આતંકવાદને ઈસ્લામાબાદના સતત સમર્થન અને કાશ્મીર મુદ્દા સહિત સંખ્યાબંધ મુદ્દાઓ પર ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં સતત તણાવ પ્રવર્તી રહ્યો છે ત્યારે પાકિસ્તાનને આ ઓફર કરી છે. આ મુદ્દે ભારત તેનું વલણ વારંવાર સ્પષ્ટ કરી ચુક્યું છે કે પાકિસ્તાન ત્રાસવાદને સમર્થન બંધ કરે અને આતંકી અડ્ડાઓ પર કાર્યવાહી કરે તે પછી તેની સાથે મંત્રણા શક્ય છે. ભારત ભારપૂર્વક જણાવે છે કે ભારત પણ પડોશી સાથે સારા સંબંધો ઇચ્છે છે, પરંતુ ઇસ્લામાબાદે આતંક અને દુશ્મનાવટથી મુક્ત હોય તેવું એક વાતાવરણ તૈયાર કરવું જોઇએ. કાશ્મીરના મુદ્દે પણ નવી દિલ્હીનું વલણ સ્પષ્ટ છે કે જમ્મુ અને કાશ્મીર હંમેશા દેશનો હિસ્સો હતો, છે અને રહેશે.

પાકિસ્તાનમાં ટૂંકસમયમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે શાહબાઝ શરીફે આવી હિલચાલ કરી છે. પાકિસ્તાનમાં હાલની સંસદની પાંચ વર્ષની મુદત 12 ઓગસ્ટે પૂરી થઈ રહી છે અને સત્તાધારી ગઠબંધનને ચૂંટણીનો સામનો કરવાનો છે. એવી ધારણા છે કે નેશનલ એસેમ્બલી (લોકસભા)નું આગામી થોડા દિવસોમાં વિસર્જન કરવામાં આવશે.

ઈસ્લામાબાદ અને નવી દિલ્હી વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો ઓગસ્ટ 2019થી તંગ છે. ભારતે જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જાને નાબૂદ કર્યો ત્યારે બંને દેશોના સંબંધો વધુ ખરાબ થયા હતા. પાકિસ્તાન સાથેના ભારતના સંબંધો અંગે વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું છે કે જ્યાં સુધી સરહદ પારના આતંકવાદની નીતિ નાબૂદ કરવામાં ન આવે ત્યાં સુધી ભારત માટે પાડોશી દેશ સાથે સામાન્ય સંબંધો રાખવા શક્ય નથી.

 

 

LEAVE A REPLY