લેસ્ટર ઈસ્ટની બેઠક માટે યોજાયેલી ચૂંટણીઓમાં મુસ્લિમ મતદારો પર કોઇ ચોક્કસ ઉમેદવારને જ મત આપવાની કેટલાક ઇમામોની સૂચના અને આધ્યાત્મિક દબાણ બાબતે લેસ્ટરશાયર પોલીસે તપાસ આદરી પુરાવાનું મૂલ્યાંકન કરી રહી છે.
ગત જૂન માસમાં ધ સન્ડે ટેલિગ્રાફે ચૂંટણી પ્રચાર દરમિયાન “અનુચિત” આધ્યાત્મિક પ્રભાવનો ઉપયોગ કરાયો હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ધર્મનો ઉપયોગ કરીને લોકોને ચોક્કસ રીતે મતદાન કરવા માટે દબાણ કરવું તે ચૂંટણીમાં દખલગીરીનો એક પ્રકાર છે અને તે ચૂંટણી અધિનિયમ 2022 હેઠળ ગેરકાયદેસર છે.
ધ ટેલિગ્રાફે લેસ્ટરના મુસ્લિમ સમુદાયમાં પ્રસરેલા ઈમેલ અને વોટ્સએપ સંદેશાઓ જોયા હતા જે દર્શાવે છે કે ધાર્મિક નેતાઓ મતદારોને ચોક્કસ ઉમેદવારોને જ મત આપવા વિનંતી કરી હતી. એક સંદેશમાં, મતદારોને કહેવાયું છે કે લેસ્ટર ઇસ્ટના “ઉલામા અને મસ્જીદ”, એટલે કે ધાર્મિક નેતાઓ અને મસ્જિદો, લિબરલ ડેમોક્રેટ ઉમેદવાર ઝુફર હકને સમર્થન આપી રહ્યા છે. સંદેશાઓમાં કહેવાયું છે કે મુસ્લિમોએ એવી વ્યક્તિની પસંદગી ન કરવી જે ઇસ્લામિક સિદ્ધાંતો સાથે ક્યારેય સમાધાન ન કરવાનું વચન આપે. મિસ્ટર હક “મુસ્લિમ, ભગવાનનો ડર રાખનાર, ઇસ્લામિક મૂલ્યોને સમજે છે અને હંમેશા પેલેસ્ટાઇન માટે ઉભા રહેશે”.
પરંતુ ભૂતપૂર્વ સાંસદ અને અપક્ષ ઉમેદવાર ક્લાઉડિયા વેબે “પેલેસ્ટાઈન માટે વાત કરી” હોવા છતાંય તેમની કોઇ વિશેષ તરફેણ કરાઇ નહતી.














