ત્રણ ઇન્ડિયન અમેરિકન અને એક નેપાળી અમેરિકન વિદ્યાર્થીની 2022ના યુએસ રહોડ્ઝ સ્કોલર્સ તરીકે પસંદગી કરવામાં આવી છે, તેમાં મોટી સંખ્યામાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ અંગેની જાહેરાત રહોડ્ઝ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં કરવામાં આવી હતી. આ તમામ 32 સ્કોલર્સ ઓક્સફર્ડ ખાતે ઓક્ટોબર 2022માં કામ શરૂ કરે તેવી સંભાવના છે.

આ સ્કોલરશિપમાં સ્કૂલના નાણાકીય ખર્ચનો પણ સમાવેશ કરાશે. અરજદારોએ તેમની કોલેજ અથવા યુનિવર્સિટીમાંથી મંજૂરી લેવી પડશે. 16 જિલ્લામાંથી સિલેક્શન કમિટીઝ ઇન્ટર્વ્યૂ કરીને દરેક જિલ્લામાંથી વિદ્યાર્થીઓની પસંદગી કરીને અંતિમ યાદી તૈયાર કરશે. કોરોના વાઇરસ મહામારીને કારણે પસંદગી કરવાની પ્રક્રિયા સતત બીજા વર્ષે વર્ચ્યુઅલી પૂર્ણ કરવામાં આવી હતી. જે ઇન્ડિયન અમેરિકન સ્કોલર્સની પસંદગી કરવામાં આવી છે તેમાં ઇલિનોયના નેપરવિલેની ત્રિશા એન. પ્રભુ-હાર્વર્ડ યુનિવર્સિટી, કેલિફોર્નિયાના સેક્રેમેન્ટોની વર્ષા સર્વેશ્વર- યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલે અને ફ્લોરિડામાં પેમબ્રોક પાઇન્સની શ્રીયા સિંઘ-યેલ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. આ સ્કોલરશિપની શરૂઆત 1902માં સેસિલ રહોડ્ઝના વિલના આધારે કરવામાં આવી હતી.