અમેરિકામાં પ્રેસિડેન્ટ પદે ફરીથી ચૂંટાઇને ડોનાલ્ડ ટ્રમ્પ ઇમિગ્રેશનના મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરવાના આપેલા વચન પર કામ કરે છે. પરંતુ સાથે સાથે એ પણ હકીકત છે કે, દેશમાં 125 વિદેશી મૂળના બિલિયોનેર્સ પણ વસે છે. ફોર્બ્સ મેગેઝિનની બિલિયોનેર્સની યાદી મુજબ, આ 125માંથી ઓછામાં ઓછા 12 લોકો એવા છે, જેમનો જન્મ ભારતમાં થયો છે, જેઓ એક જ દેશમાંથી સૌથી વધુ સંખ્યા ધરાવે છે. આ બિલિયોનેર્સની સંખ્યા 2022માં 92 હતી, તેઓ 43 જુદાજુદા દેશોમાંથી અમેરિકામાં આવ્યા હતા, પરંતુ તેઓ મુખ્યત્વે અમેરિકામાં જ સમૃદ્ધ થયા હતા. અમેરિકાના દસ સૌથી ધનવાન બિલિયોનેર્સમાંથી ત્રણ તો વિદેશમાં જન્મ્યા હતા, તેમાં ટેસ્લાના સીઈઓ એલન મસ્ક, ગૂગલના સહ-સ્થાપક સેર્ગેય બ્રિન અને એનવીડિયાના સહ-સ્થાપક અને સીઈઓ જેન્સેન હુઆંગનો સમાવેશ થાય છે.
ભારતીય બિલિયોનેર્સના નામ અને તેમની કુલ સંપત્તિ
1. જય ચૌધરી – $17.9 બિલિયન
2. વિનોદ ખોસલા – $9.2 બિલિયન
3. રાકેશ ગંગવાલ- $6.6 બિલિયન
4. રોમેશ ટી. વાધવાણી – $5.0 બિલિયન
5. રાજીવ જૈન – $4.8 બિલિયન
6. કવિતાર્ક રામ શ્રીરામ – $3.0 બિલિયન
7. રાજ સરદાના – $2.0 બિલિયન
8. ડેવિડ પોલ – $1.5 બિલિયન
9. નિકેશ અરોરા – $1.4 બિલિયન
10. સુંદર પિચાઈ – $1.1 બિલિયન
11. સત્ય નડેલા – $1.1 બિલિયન
12. નીરજા સેઠી – $1.0 બિલિયન
છેલ્લા ત્રણ વર્ષમાં આ યાદીમાં ભારતના પાંચ બિલિયોનેર્સ જોડાયા છે, જે ઇઝરાયલ અને તાઇવાન કરતાં વધુ છે સંખ્યામાં છે. આ યાદીમાં ભારતમાં જન્મેલા નવા જાણીતા લોકોમાં આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ, માઈક્રોસોફ્ટના વડા સત્ય નડેલા અને સાયબર સુરક્ષા સીક્યુરિટી કંપની પાલો અલ્ટો નેટવર્ક્સના સંચાલક નિકેશ અરોરાનો સમાવેશ થાય છે. આ યાદીમાં કેનેડા અને ચીનના બિલિયોનેર્સ અનુક્રમે 9 અને 8 છે, જ્યારે જર્મની અને ઈરાનના 6-6, ફ્રાન્સના 5 અને યુક્રેન અને હંગેરીમાં 4-4 બિલિયોનેર્સનો સમાવેશ થાય છે.
અમેરિકામાં વસતા આ 125 સુપર રિચ ઇમિગ્રન્ટ્સ પાસે 1.3 ટ્રિલિયન ડોલરની કુલ એકત્રિત સંપત્તિ છે, જે અમેરિકાની 7.2 ટ્રિલિયન ડોલરની બિલિયોનેરની સંપત્તિમાં 18 ટકા હિસ્સો ધરાવે છે. ફોર્બ્સના રીપોર્ટ મુજબ, 93 ટકા ઇમિગ્રન્ટ બિલિયોનેર પોતાની રીતે સમૃદ્ધ થયા છે, જેમાંથી બે તૃતીયાંશ જેટલા લોકોએ ટેકનોલોજી અને નાણાકીય ક્ષેત્રમાં મોટી સિદ્ધિ મેળવી છે.
