દક્ષિણ ગુજરાતમાં નવસારી જિલ્લા ઉપરાંત ખાસ કરીને ઉપરવાસ એવા ડાંગ અને મહુવા, વાલોડમાં પણ ભારે વરસાદ પડતાં નવસારી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. નવસારીમાં નીચાણવાળા વિસ્તારોના લોકોને તંત્રે એલર્ટ કરી સ્થળાંતર કરાવવાની તજવીજ પણ હાથ ધરી હતી. દરમિયાન આજે નવસારીના પોસરા ગામે તબેલામાં ત્રણ દિવસથી ફસાયેલા એક જ પરિવારના ત્રણને NDRFની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.

નવસારી અને ગણદેવી તાલુકામાં કુલ 544 પરિવારોના 2026 લોકોને સ્થળાંતર કરાવાયું હતું. જેમાં નવસારી શહેરના 488 પરિવારના 1831 વ્યક્તિ અને ગણદેવી તાલુકાના 56 પરિવારના 195 વ્યક્તિનો સમાવેશ થાય છે. નવસારીના 1000 લોકો માટે પાલિકા તંત્રે ભોજનની વ્યવસ્થા તૈયાર રાખી હોવાનું ધારાસભ્ય પિયુષ દેસાઈએ જણાવ્યું હતું.નવસારીના મરોલી નજીક આવેલ પોંસરા ગામે મીંઢોળા નદી પ્રવાહ વધતા રેસ્કયુ કરવાની આવશ્યકતા ઊભી થઈ હતી.

નદીનો પ્રવાહ વધુ હોવાને કારણે NDRFનો સહારો લેવાયો હતો. ત્યારબાદ ત્રણ દિવસથી ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. નવસારીના પોસરા ગામે તબેલામાં ફસાયેલા એક જ પરિવારના ત્રણને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં NDRFના જવાનોએ મહત્વ ની ભૂમિકા ભજવી હતી.

ઉપરવાસના ભારે વરસાદને કારણે સ્થાનિક વરસાદને લઈને ગણદેવીની વેંગણીયા નદીમાં પણ પાંચ દિવસથી સતત ઉપરછાપરી પૂરની પરિસ્થિતિ સર્જાઈ રહી છે, જેના કારણે ગણદેવી બીલીમોરાનું બંધારા પુલ સતત પાણીમાં ગરકાવ રહેતા આ માર્ગ પાંચ દિવસથી સદંતર બંધ છે.

નવસારીનાં રીંગરોડમાં આવેલી સરકારી આવાસ 11 ઈમારતનાં અનેક પરિવારને નજીકમાં આવેલ નગરપાલિકા શાળામાં ખસેડવામાં આવ્યા હતા. કાશીવાડી વિસ્તારમાં પણ 200થી વધુ પરિવારોનાં ઘરમાં પાણી આવી જતા જરૂરી ચીજવસ્તુને લઈને ઘરને તાળું મારી બહાર નીકળ્યા હતા તેમને પણ નજીકની શાળામાં ખસેડવામાં આવ્યા હતા.

સોમવારે બપોરે પૂર્ણાએ ભયજનક સપાટી વટાવતા જ નગરપાલિકા દ્વારા સાયરન વગાડીને નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવા જણાવ્યું હતું. નવસારીનાં રીંગરોડ પ્રકાશ ટોકિઝથી વિરાવળ જતા માર્ગ પણ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવતા શહેરના ટ્રાફિકની વ્યવસ્થા વકરી હતી.