રોબિન્સવિલે BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે નવ દિવસના ભવ્ય ઉદ્ઘાટન સમારંભના ભાગરૂપે 5 ઓક્ટોબર 2023એ અમેરિકાના વિવિધ શહેરોના મેયરો અને રાજ્યોના પ્રતિનિધિઓની હાજરીમાં સામુદાયિક એકતાના ઉજ્જવની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે રોબિન્સવિલે ટાઉનશીપના મેયર ડેવિડ ફ્રાઈડ અને મેયર જોન હિગડોને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજને “કી ટુ ધ સિટી”નું સન્માન અર્પણ કર્યું હતું. તેમણે અક્ષરધામને એક વૈશ્વિક અજાયબીમાં ગણાવ્યું હતું.

આ પ્રસંગે રોબિન્સવિલના મેયર ડેવિડ ફ્રાઈડ તેમજ ન્યુજર્સી અને સમગ્ર અમેરિકામાંથી અનેક મેયરો અને સ્ટેટ ઑફિશિયલ્સના પ્રતિનિધિમંડળોનું સન્માન કરાયું હતું. 8 ઓક્ટોબર, 2023એ BAPS સ્વામિનારાયણ અક્ષરધામના ભવ્ય ઉદઘાટન નિમિત્તે યોજાઈ રહેલા નવદિવસીય વિશિષ્ટ કાર્યક્રમોની શૃંખલાના ભાગરૂપે ‘સેલિબ્રેટિંગ કમ્યુનિટી’ થીમને આધારે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

BAPSના પૂજ્ય ચૈતન્યમૂર્તિદાસ સ્વામીએ અમેરિકન લોકશાહીના સિદ્ધાંતો અને હિન્દુ ધર્મની એકતાની ભાવનાના મૂલ્યોને હાઇલાઇટ કરીને રોબિન્સવિલે જેવી કમ્યુનિટીની સહકારની ભાવના પર ભાર મૂક્યો હતો.
રોબિન્સવિલના મેયર ડેવિડ ફ્રાઈડે છેલ્લાં એક દાયકા કરતાં વધુ સમયથી રોબિન્સવિલ કોમ્યુનિટી અને અક્ષરધામ વચ્ચે મજબૂત સંબંધને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. સાંસ્કૃતિક ઉત્થાન અને જાળવણી પ્રત્યે અને આ સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ માટેના તેમના અતૂટ સમર્થને અક્ષરધામ મહામંદિરને સાકાર કરવામાં અગત્યની ભૂમિકા ભજવી છે.

મેયર ડેવિડ ફ્રાઈડે જણાવ્યું હતું કે “જ્યારે પણ મેં BAPS સંસ્થાનો સહયોગ માટે સંપર્ક કર્યો, ત્યારે તેઓ હંમેશા મદદ માટે તત્પર રહ્યાં છે, આ ભાવના માટે હું તેમનો અત્યંત ઋણી છું. તમે તમારી યુવાપેઢીમાં જે મૂલ્યોનું સિંચન કરી રહ્યા છો, તે ખૂબ અગત્યનું છે, કારણ કે તેઓ આ કોમ્યુનિટીના આવતીકાલના સભ્યો બની રહેવાના છે. અક્ષરધામ રોબિન્સવિલ કમ્યુનિટીનો એક અભિન્ન ભાગ બની ગયો છે. અમને ગૌરવની લાગણી છે અને આપના પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે આ સર્જન માટે રોબિન્સવિલને પસંદ કર્યું છે. તમારા વિઝનથી તમે જમીનના એક ટુકડાને અકલ્પનીય રીતે વૈશ્વિક અજાયબીમાં પરિવર્તિત કરી દીધો છે. હું તેના માટે તમારો આભારી છું. પુનઃ હું તમને ઉદ્ઘાટન પ્રસંગે મારી શુભેચ્છાઓ પાઠવું છું.“

BAPSના પૂજ્ય યોગનન્દનદાસ સ્વામીએ આધ્યાત્મિકતા, નાગરિક મૂલ્યો અને નૈતિક મૂલ્યોના સિંચનમાં અક્ષરધામની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.

BAPSના વરિષ્ઠ સંત પૂજ્ય ભક્તિપ્રિયદાસ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજના ઉપદેશોને આધારે સમાજમાં એકતા અને સંવાદિતા સ્થાપવા સહનશીલતા અને ઉદાર દ્રષ્ટિકોણ અપનાવવાની વાત કરી હતી. BAPSના વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે તેમના આશીર્વાદમાં એકતા અને સામાજિક ઉત્થાનની વાત દ્રઢ કરાવી હતી.

આ કાર્યક્રમમાં સમગ્ર અમેરિકામાંથી ઉપસ્થિત અનેક પ્રતિનિધિઓએ અક્ષરધામ વિષયક સ્વાનુભૂતિઓ રજૂ કરી હતી. ન્યુજર્સીના 14મી લેજીસ્લેટીવ ડિસ્ટ્રિક્ટના પ્રતિનિધિ ડેનિયલ આર બેન્સને જણાવ્યું કે “આજે મેં જે ગતિશીલ પ્રેરણા અને પ્રગતિ અહીં જોઈ છે, તે નિઃસ્વાર્થ બલિદાન અને સેવાનો પુરાવો છે. એકબીજા સાથે હળીમળીને કાર્ય કરી રહેલાં આ હજારો લોકો દર્શાવી રહ્યા છે કે તમારી પાસે અખૂટ પ્રેરણા હોય તો કેવું સર્જન તમે કરી શકો!”

વેસ્ટ વિન્ડસર, ન્યુ જર્સીના મેયર હેમંત મરાઠેએ જણાવ્યું કે “જ્યારે લોકો પૂછતા હતાં, ‘વેસ્ટ વિન્ડસર ક્યાં છે?’, ત્યારે હું કહેતો હતો કે તે પ્રિન્સટન યુનિવર્સિટીની બાજુમાં છે. હવે કહું છું કે તે રૉબિન્સવિલના BAPS અક્ષરધામની બાજુમાં છે! મેયર ફ્રાઈડનો આ શક્ય બનાવવા હું આભારી છું. સમાજમાં, અત્યંત સામાન્ય વસ્તુઓ ઉપર 100 લોકો સાથે સહમત થવું પણ મુશ્કેલ હોય છે છે. જ્યારે અહીં, વિવિધ ઉંમરના, વ્યવસાયો અને સામાજિક-આર્થિક સ્તરના 12,500થી વધુ લોકો સાથે મળીને તેઓના વ્યક્તિગત જીવનથી ઉપર ઊઠીને આવા સુંદર સર્જનમાં પોતાનું યોગદાન આપે, તે સમાજ માટે ઉદાહરણરૂપ છે, બોધપાઠરૂપ છે.”

પેન્સિલવેનિયાના 111મી લેજીસ્લેટીવ ડિસ્ટ્રિક્ટના રાજ્ય પ્રતિનિધિ જોનાથન ફ્રિટ્ઝે જણાવ્યું કે “આજે તમારા સૌમાંથી વહી રહેલી અદભૂત સારપ અને પ્રેમથી સભર વાતાવરણમાં હું ગદગદ થઈ ગયો છું. આ સમગ્ર સ્મારક આવી સઘળી શુદ્ધ ભાવનાઓનું પ્રતીક છે.“

મેથ્યુસ, નોર્થ કેરોલિનાના મેયર જ્હોન હિગડોને જણાવ્યું કે “આજે મેં મહંતસ્વામી મહારાજને ‘આપણો એક વૈશ્વિક માનવ પરિવાર છે’ તેમ કહેતા સાંભળ્યા તે મારા હૃદયને ખૂબ સ્પર્શી ગયું.”

ટેક્સાસ રાજ્યના પ્રતિનિધિ ડૉ. સુલેમાન લાલાનીએ જણાવ્યું કે “આપણે સામાન્ય રીતે આપણને અનુકૂળ હોય ત્યારે જ સેવાકાર્યમાં જોડાવાનું પસંદ કરીએ છીએ, પરંતુ આજે હું અહીં ઉપસ્થિત સૌ કોઈને BAPSનું અનુસરણ કરવા અનુરોધ કરીશ. BAPSની જેમ કોઈ પણ પરિસ્થિતિમાં કેવી રીતે મક્કમતા સાથે સેવા કરવી તે મારા માટે અને અહીં સૌ કોઈને પ્રેરણારૂપ છે.”

ન્યુયોર્ક સિટીના મેયર એરિક એડમ્સે એક વીડિયો શુભેચ્છા સંદેશમાં જણાવવામાં આવ્યું હતું કે “BAPS સંસ્થાને સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરના ભવ્ય લોકાર્પણ માટે હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. BAPS અને હિન્દુ કોમ્યુનિટી આપણાં દેશમાં ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યા છે અને આપણાં શહેરની સંસ્કૃતિમાં યોગદાન આપી રહ્યા છે. આંતરધર્મીય સંવાદિતા માટે અને સામાજિક સેવા માટે આપના તમામ કાર્યોની હું સરાહના કરું છું. આધ્યાત્મિકતા અને સેવા એકબીજામાં ઓતપ્રોત હોવા જોઈએ. હું પુનઃ આપને આ સીમાચિન્હરૂપ સફળતા માટે અભિનંદન પાઠવું છું.”
પેન્સિલવેનિયાના ભૂતપૂર્વ પ્રતિનિધિ થોમસ મોરિનોએ જણાવ્યું હતું કે “હું એવું માનતો હતો કે હું એક સારી વ્યક્તિ છું. પણ આ સ્થાનમાંથી વિદાય લેતી વખતે મારું હૃદય મને વધારે દયાળુ બનવાનું કહી રહ્યું છે. હું કેવી રીતે વધારે લોકોને મારા તરફથી કઇંક આપી શકું, કેવી રીતે મારા પાડોશી સાથે સંવાદ સાધી શકું, કેવી રીતે મુશ્કેલીમાં રહેલા કોઈ બાળકને મદદ કરી શકું. આજની આ ક્ષણો અસાધારણ અનુભૂતિ કરાવી રહી છે.”

LEAVE A REPLY

seventeen + 12 =