અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ) (Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

કોરોના મહામારી વચ્ચે ચાલુ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધીના સાત મહિનામાં સાબરમતી નદીમાં અલગ-અલગ કારણોસર આત્મહત્યા કરવાના ઈરાદાથી કુલ ૧૧૨ લોકોએ ઝંપલાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પૈકી ૨૨ જણાંને બચાવી લેવામાં આવ્યા છે, જયારે ૯૦ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદ ફાયર વિભાગ દ્વારા સાબરમતી રીવરફ્રન્ટ ખાતે વર્ષ-૨૦૧૪થી રેસ્કયૂ બોટ સાથે ટીમને વલ્લભસદન ખાતેના પોઈન્ટ ઉપર ફરજ ઉપર મુકવામાં આવી છે. આ ટીમ સાબરમતી નદીમાં આત્મહત્યા કરવાના ઈરાદાથી ઝંપલાવનારાઓને બચાવી લેવાની કામગીરી કરી રહી છે.

કોરોના મહામારીના સમયમાં આ વર્ષે જાન્યુઆરીથી લઈ જુલાઈ સુધીના સમય દરમ્યાન ફાયરની ટીમને આર્થિક સંકડામણ, બેરોજગારી, ગૃહકંકાશ, પ્રેમમાં નિષ્ફળતા સહિતના કારણોથી નાસીપાસ થઈ નદીમાં આત્મહત્યા કરવાના ઈરાદાથી ઝંપલાવ્યુ હોય એવા કુલ ૧૧૨ કોલ મળ્યા હતા. નદીમાં ઝંપલાવનારાઓ પૈકી ૧૨ પુરુષ અને ૧૦ મહિલાઓને સલામત બચાવી લેવામાં આવ્યા હતા. આ વર્ષે જાન્યુઆરીમાં પાંચ, ફેબુ્રઆરીમાં નવ જયારે માર્ચ મહિનામાં સૌથી વધુ ૧૮ કોલ ફાયરની રેસ્કયૂ ટીમને મળ્યા હતા.જયારે એપ્રિલમાં ૧૨,મે મહિનામાં ૧૬,જુન મહિનામાં ૧૩ અને જૂલાઈ મહિનામાં ૧૭ જેટલા રેસ્કયૂ કોલ મળ્યા મળ્યાં હતાં.