અમેરિકાના ૨૪ સાંસદોએ વિદેશ પ્રધાન ટોની બ્લિન્કનને પત્ર લખીને સ્ટુડન્ટ્સ વિઝા પ્રક્રિયા ઝડપી બનાવવાની રજૂઆત કરી હતી. ભારતના અસંખ્ય સ્ટુડન્ટ્સ અમેરિકામાં વિઝા મેળવવાની રાહ જોઈ રહ્યા ત્યારે આ રજૂઆતની અસર થશે તો હજારો ભારતીય વિદ્યાર્થીઓને ફાયદો થશે.

અમેરિકાના પ્રભાવશાળી સાંસદોના જૂથે બાઈડેન સરકાર સામે વિઝા પ્રક્રિયા ધીમી પડવા મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા. સાંસદોએ વિદેશ પ્રધાનને પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે કોરાનાને કારણે વિદેશી સ્ટુડન્ટ્સને આપવામાં આવતા વિઝાની પ્રક્રિયા ધીમી પડી ગઈ હોવાથી તેને ઝડપી બનાવવાની જરુરિયાત છે.

પત્રમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે અસંખ્ય વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ખરાબ થઈ ગયું છે. હવે નવા શૈક્ષણિક સત્રથી વિદેશી વિદ્યાર્થીઓને આવકારવામાં આવશે તો ફરીથી અમેરિકામાં એજ્યુકેશન સેક્શન પાટે ચડશે. વિઝાની લાયકાત બાબતે પણ છૂટછાટ મળે એવી રજૂઆત આ સાંસદોએ કરી હતી.અમેરિકામાં ભારતના એકાદ લાખ વિદ્યાર્થીઓ અમેરિકન અર્થતંત્રમાં ખૂબ જ મહત્વનું પ્રદાન કરી રહ્યા છે.